ગાંધીનગરમાં બિહારની જીતના જશ્નમાં પાટીલ ભૂલાયા તો મોદીની મુલાકાતમાં એરપોર્ટ બહાર બિહારીઓ ખડકી દીધા
બિહારની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો. ભાજપને પણ કલ્પના ન હોય તેટલી બેઠકો મળી. બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો. સ્વાભાવિક છે કે આ જીતનો જશ્ન ગુજરાતમાં પણ મનાવવામાં આવે. કમલમ કાર્યાલય પર ફટાકડા ઢોલ નગારા સાથે બિહાર જીતની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ કરી જીતમાં સહભાગી થયા. આમ પણ બિહાર જીત પાછળ ગુજરાતનો સૌથી મોટો હાથ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતીઓનો સિંહ ફાળો છે.
જોકે આ ઉપરાંત ગુજરાતમાંથી 2000 થી વધુ કાર્યકર અને નેતાઓ બિહારમાં ચૂંટણી પ્રચાર સહિતની કામગીરી માટે ગયા હતા. બિહારના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા પણ ગુજરાતી છે. છેલ્લા પાંચ વર્ષની તેમની મહેનતે પણ મહત્વની ભૂમિકા ભજવી. બિહારના સહ પ્રભારી તરીકે પણ પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પણ મહત્વની ભૂમિકા રહી છે.
કહેવાય છે કે બિહારની 29 જેટલી જીતવી મુશ્કેલ બેઠકોની જવાબદારી સહ પ્રભારી સીઆર પાટીલને સોંપાઈ હતી. ગુજરાતની જેમ જ બિહારમાં પણ સી. આર. પાટીલનું નસીબ અને મહેનત રંગ લાવ્યા. 29 માંથી 28 બેઠકો પર એનડીએની જીત થઈ. જોકે કમલમ કાર્યાલય પર દાદા અને પ્રદેશ પ્રમુખની પ્રેસ કોન્ફરન્સમાં બિહારના સહ પ્રભારીના નામનો ઉલ્લેખ પણ ન થયો. સ્વભાવિક છે કે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને બધો યશ જાય. જોકે પૂર્વ પ્રમુખના નામનો ઉલ્લેખ તો કરી શકાય. પણ આમ ન થયું.
ભાજપમાં ચર્ચા એ જોર પકડ્યું છે કે એટલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતમાં સુરત એરપોર્ટ ઉપર બિહારવાસીઓના કાર્યક્રમનું આયોજન કરી સી. આર. પાટીલે હિસાબ બરાબર કરી લીધો. પ્રધાનમંત્રીના અગાઉ નિયત કાર્યક્રમમાં બિહારવાસીઓ સાથેની મુલાકાતનું આયોજન ન હતું. જોકે છેલ્લી ઘડીએ આયોજન કરી સી. આર. પાટીલે વિરોધીઓ સાથેનો હિસાબ બરાબર કરી લીધો.