પાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારી
હવે ગુજરાતના ભારમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક
ગુજરાત ભાજપના ધારાસભ્યોની આગામી શનિવારે ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી છે તે પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળસંસાધન મંત્રી સી.આર.પાટીલને બિહારના ચૂંટણી સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે ભાજપે પ્રદેશ પ્રમુખ ચૂંટણી પ્રભારી તરીકે કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સી.આર.પાટીલ અને યુ.પી.ના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને સહ પ્રભારી બનાવાયા છે.
ગુજરાત ભાજપના પ્રમુખપદે સી.આર.પાટીલની મુદ્દત પૂરી થઇ ગયાને બે વર્ષ જેવો સમય થઇ ગયો છે. ઉપરાંત તેમને કેન્દ્રીય કેબિનેટમાં પણ સ્થાન અપાયુ છે ત્યાં હવે બિહારની પણ જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ આગામી શનિવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકોને કેન્દ્રીયફ મંત્રી મનસુખ માંડવિયા સંબોધનાર છે. ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદ અંગે કોઇ મહત્વની જાહેરાત થવાની શકાયતા છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં ફેરફારનું કોકડું લાંબા સમયથી ગુંચવાયેલુ છે. સી.આર.પાટીલની મુદ્દત બે વર્ષથી પૂરી થઇ ગઇ છે. અને કેન્દ્રમાં પણ તેને મહત્વની જવાબદારી અપાઇ હોવા છતા ગુજરાતમાં તેને જવાબદારીમાંથી મુકત કરાતા નથી.
જયારે રાજ્ય સરકાર સામે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તે છે અને બચુ ખાબડ જેવા દાગી મંત્રીઓને પણ હટાવી શકાતા નથી ત્યારે મંત્રી મંડળમાં પણ ફેરફારની શકાયતાઓ છે. પરંતુ ભાજપમાં આંતરીક પેચ ફસાયો હોવાથી નિમણુકો લટકી હોવાનુ મનાય છે.