જસદણમાં લવ મેરેજ સામે પાટીદારોનો મોરચો
મેરેજ રજિસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવાની માંગણી સાથે કાઢેલી રેલી
જસદણમા ગઇકાલે પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર શૈક્ષણિક ભવનથી જસદણ મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દિનેશ બાંભણીયા, વરૂૂણ પટેલ, મનોજ પનારા, ગીતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યાં હતા.
પાટીદાર સમાજે પોતાની વિવિધ માંગ સાથે જસદણમાં ક્રાંતિ રેલી કાઢી હતી. પાટીદાર સમાજની મુખ્ય માંગમાં લગ્ન નોંધણીનું સ્થળ, દીકરીના આધાર કાર્ડમાં હોય તે ગામ-શહેરમાં રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ ફરજીયાત કરવો. સાથે લગ્નની નોંધણી માટે સાક્ષી પણ તે વિસ્તારના હોવા જોઈએ. લગ્નની નોંધણીમા જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય તેનું વેરિફિકેશન સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરવું.
આ સાથે લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને 45 દિવસ અગાઉ નોટિસ દ્વારા કરવામાં આવે. આ સાથે લગ્ન નોંધણી જે ગ્રામ્ય કક્ષાએ તલાટીને લગ્ન પ્રમાણપત્ર જારી કરવાની જવાબદારી સોંપાઈ છે, તેમાં સહી-સિક્કા અને ચકાસણી કરવાની જવાબદારી મામલતદાર કક્ષાએ સોંપવી. આ સિવાય લગ્ન નોંધણી રજીસ્ટરમાં દીકરીના માતા-પિતાની સહી ફરજીયાત કરાવવી. આ સિવાય પાટીદારોએ વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવવાની માંગ કરી છે.
પાટીદાર સમાજની યોજાયેલી ક્રાંતિ રેલી દરમિયાન મનોજ પનારાએ કહ્યુ કે વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરીઓ લવ મેરેજનો ભોગ બને છે. પાટીદાર સમાજ ભોળો છે એટલે તેને ટાર્ગેટ કરવામાં આવે છે. અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લૂખ્ખાઓ આંખ ઉંચી કરીને પણ જોતા નથી, કારણ કે ત્યાં ટાંટીયા ભાંગી જાય છે. આ અંગે વાત કરતા પાટીદાર અગ્રણી વરૂૂણ પટેલે કહ્યુ કે ગુજરાતની સરકાર ખૂબ જ હોશિયાર છે. તેમને ખબર છે કે અમારી માંગ સ્વીકારવી જોઈએ. અમારા બાયોડેટા તેમની પાસે છે સરકાર પાસે આઈબી અને ઇનપુટ પણ છે. આજે અહીંટા ટોળું છે, કાલે આખા ગુજરાતમાં ભેગું થઈ શકે છે.