રણજિતસાગરના બેઠા પુલની દયનીય સ્થિતિ: ઓવરબ્રિજની તાતી જરૂરિયાત
હર્ષદપુર, કોંઝા તથા મોખાણા સહિતના 12-15 ગામોના હજારો ગ્રામજનોને દર વર્ષે
તંત્રો કરોડો રૂૂપિયાનો ખર્ચ કરતાં હોય છે પરંતુ લોકસુવિધા માટેના નાના પરંતુ અતિ મહત્ત્વના કામો પ્રત્યે, સામાન્ય રીતે તંત્રો ઉદાસીન રહેતાં હોય, હજારો લોકોએ હાડમારીઓ વેઠવી પડતી હોય છે. જામનગરના રણજિતસાગર ડેમથી થોડે દૂર આવેલાં કેટલાંક ગ્રામ્ય વિસ્તારોની કઠણાઈ આ પ્રકારની છે.
જામનગરને પાણી પૂરૂૂં પાડતાં રણજિતસાગર ડેમનું ઓવરફલો પાણી નદીમાં પહોંચતા પહેલાં, ડેમ નજીકના એક બેઠાં પુલ પરથી પસાર થાય છે તેથી અવારનવાર આ બેઠાં પુલનું ધોવાણ થઈ જાય છે અથવા આ બેઠો પુલ ચોમાસામાં ડેમ ઓવરફલો પાણીના કારણે તૂટી જતો હોય છે. આ બેઠાં પુલ પરથી પસાર થઈને રણજિતસાગર ડેમને પહેલે પાર આવેલાં હર્ષદપુર, કોંઝા અને મોખાણા સહિતના 12-15 ગામો સુધી પહોંચી શકાય છે. પરંતુ ચોમાસામાં આ બેઠો પુલ ડેમના ઓવરફલો પાણીના વહેવાને પરિણામે તૂટી જતો હોય, આ તમામ ગામોના હજારો લોકો આ માર્ગે જામનગર અવરજવર કરી શકતા નથી. ઈમરજન્સી કેસોમાં વધુ હાલાકીઓ પડે છે. અને, આ પુલ પરનો વાહનવ્યવહાર દર વર્ષે અટકી પડતો હોય, હજારો લોકો પરેશાન છે. આ વિસ્તારના વિવિધ ગામોના લોકોની લાગણી અને માંગ એવી છે કે, જો આ બેઠાં પુલની જગ્યાએ યોગ્ય ડિઝાઇન સાથેનો ઉંચો પુલ બનાવી નાંખવામાં આવે તો, આ બેઠો પુલ તૂટી પડવાની અવારનવારની ઝંઝટમાંથી લાખો લોકોને કાયમી મુક્તિ મળી શકે ઘણાં સમયથી ગામલોકોની આ વાજબી માંગ અંગે તંત્ર ગંભીરતાથી વિચારતું નથી.
અહીં ઉંચો પુલ બનાવવામાં આવે તો, ઓવરફલો ડેમનું પાણી આ ઉંચા પુલની નીચેથી પસાર થઈ નદીમાં ભળી શકે અને સંખ્યાબંધ ગામોના લોકોને આ સમસ્યાઓમાંથી કાયમી છૂટકારો મળી શકે. અપેક્ષા રાખીએ કે, આ વાજબી લોકમાંગ અંગે સંબંધિત સત્તાવાળાઓ હવે ગંભીરતા દાખવશે.