નવસારી બેઠક પર પટેલ V/S પાટીલ?
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યમાં કેટલીક બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે. બાકી રહેલાં નામોમાં ઘણી બધી ચર્ચાઓ થઇ રહી છે ત્યારે નવસારી બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ સી.આર. પાટીલને રિપિટ કર્યા છે. તો કોંગ્રેસ દ્વારા હજી સુધી નામને લઈને મથામણ ચાલું છે. તેવામાં કોંગ્રેસ અગ્રણી સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના નામની પણ ચર્ચાઓ શરૂૂ થઈ છે. સ્કાયલેબ (આયાતી ઉમેદવાર)નું નામ આવતા કાર્યકરોમાં નિરાશા સાથે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ શરૂૂ થઈ છે. બીજી તરફ આજ સાંજ સુધી કોંગ્રેસ પોતાના બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભરૂૂચ બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયા મુજબ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપવી પડી હતી. જેથી લોકસભાની ચૂંટણીમાં નસીબ અજમાવવા માંગતા મુમતાઝ પટેલને પાર્ટી નવસારી બેઠક પરથી ટિકિટ આપી શકે છે.ગુજરાત રાજ્યમાં 26 બેઠકો પર નવસારી સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી બેઠક માનવામાં આવે છે. કારણ કે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ આ બેઠકના સિટિંગ સાંસદ હોવા સાથે હાલમાં ભાજપના ઉમેદવાર છે સાથે જ ગત ટર્મમાં તેમણે છ લાખથી વધુ લીડ મેળવી હતી. પાટીલ આ સીટ પર છેલ્લા ત્રણ ટર્મથી જીત મેળવતા આવ્યા છે. તેમની સામે ટક્કર આપવા માટે કોઈ સક્ષમ ઉમેદવાર ઉતારવો પડે તે માટે અત્યાર સુધી સુરત અને નવસારી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વિચારમાં હતા ત્યારે એકાએક મુમતાઝ પટેલનું નામ આવતા કોંગ્રેસી કાર્યકરો ચોકવા સાથે નિરાશ થયા હશે.