પટેલ પેંડાવાલાને ત્યાંથી 2.6 ટન ફૂગવાળી મીઠાઇનો નાશ
ફૂડ વિભાગે શહેરની વિખ્યાત પેઢીમાં દરોડો પાડી બેગમાં પેક કરેલ મીઠો માવો અને વાસી મીઠાઇનો જથ્થો પકડી પાડ્યો
ફૂડ લાઈસન્સ વગર ધમધમતી હતી પેઢી, શિખંડ, બરફી, પેંડા સહિતના 10 નમૂના લેવાયા, અન્ય 45 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
શહેરીજનોમાં વિખ્યાત મીઠાઇની દુકાનોમાંથી મીઠાઇ લેવાનું ક્રેઝ દિવસે-દિવસે વધતો જાય છે. મોંઘી મિઠાઇ હોવા છતા શુદ્ધ વસ્તુઓ મળશે તેવું માનીને લોકો ખરીદી કરતા હોય છે. પરંતુ આજે શહેરના વિખ્યાત પટેલ પેંડાવાળાને ત્યાંથી ટન મોઢે મીઠાઇનો જથ્થો ફૂડ વિભાગે ઝડપી પડતા શહેરીજનોનો મોંહ આજે ભંગ થઇ ગયો હતો.
તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા, કે.એમ.રાઠોડ, આર.આર.પરમાર, સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ દ્વારા તુલસી પાર્ક-2 કોર્નર, નાના મવા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ પટેલ પેંડાવાલા પેઢીની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહુ ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારની મીઠાઇ તથા ફરસાણનું ઉત્પાદન -સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ. પેઢીના કોલ્ડ રૂૂમની તપાસ કરતાં તેમાં પેઢીમાં ઉત્પાદન કરેલ મીઠા માવાની પ્લાસ્ટિક પેક્ડ બેગનો જથ્થો તથા મીઠાઈનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળેલ. પ્લાસ્ટિક બેગમાં પેક કરેલ મીઠો માવાની બેગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે વિગતો છાપેલ ન હોવાનું તેમજ ફંગસ ડેવલપ થયેલ માલૂમ પડેલ તેમજ કોલ્ડ રૂૂમમાં સંગ્રહ કરેલ વાસી પડતર મીઠાઈ મળીને અંદાજીત 2600 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય ોપર્યાવરણ વિભાગના વાહન દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, પેકિંગ કરેલ ખાધ્યચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે તેમજ ઉત્પાદક તરીકે ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી કેસર શિખંડ, સંગમ બરફીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન શહેરના મોદી સ્કૂલ મેઇન રોડ- જીવરાજ પાર્ક તથા સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 45 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 17 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 42 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ અને હાઇજેનીક તેમજ ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
પેંડા, બરફી, શિખંડ સહિતના 10 નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા નમૂનાની કામગીરી દરમિયાન (1) કેસર શિખંડ (લુઝ): સ્થળ- પટેલ પેંડાવાલા, તુલસી પાર્ક-2, (2) સંગમ બરફી (લુઝ): સ્થળ- પટેલ પેંડાવાલા, તુલસી પાર્ક-2, (3) કેસર પેંડા (લુઝ): સ્થળ- રિયલ ડેરી ફાર્મ, ડાયમંડ પાર્ટી પ્લોટ રોડ, (4) થાબડી (લુઝ): સ્થળ- શ્રી સત્યમ ડેરી ફાર્મ, નીલકંઠ સિનેમા પાસે, (5) અંજીર પાક (લુઝ): સ્થળ- ગોવિંદમ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, (6) બટરસ્કોચ બરફી (લુઝ): સ્થળ- નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર પાસે, (7) પનીર (લુઝ): સ્થળ- નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર પાસે, (8) પનીર (લુઝ): સ્થળ- નીલકંઠ ડેરી ફાર્મ (9) પનીર (લુઝ): સ્થળ- જડેશ્વર ડેરી ફાર્મ (10) ચોકો આલમંડ આઇસક્રીમ (લુઝ) : સ્થળ- ડેરી ફ્રેશ આઇસક્રીમ સહિતના નમુના લઇ લેબમાં મોકલી આપ્યા હતા.
વિખ્યાત પેઢીઓમાં ચેકિંગ શા માટે નહીં?
ફૂડ વિભાગ દ્વારા આજે વિખ્યાત પટેલ પેંડાવાળાના ત્યાંથી 2.6 ટન વાસી પેંડા સહિતનો જથ્થો ઝડપી પડ્યો છે. પરંતુ આ પ્રકારનું ચેકિંગ ઘણા વર્ષો બાદ જોવા મળ્યું હોવાનું લોકો કહીં રહ્યા છે. શહેરની નામાકિંત મીઠાઇનું વેંચાણ કરતી પેઢીઓમાં ફૂડ વિભાગમાં ક્યારેય ચેકિંગ હાથ ધરાતુ નથી. અન્ય કારણોસર શા માટે મોટી પેઢીઓમાં ચેકિંગ થતુ નથી. તેવી ચર્ચા જાગી છે અને આજે એક પેઢીમાંથી ટન મોંઢે વાસી મીઠાઇ પકડાઇ છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય પેઢીઓમાં પણ તપાસ કરે તો આ પ્રકારના ભોપાળાઓ બહાર આવી શકે તેમ છે તેવું લોકો કહી રહ્યા છે.