પટેલ કોલોનીમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને માતા-પિતા-દાદીએ આપી ધમકી
જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં નોંધાવી ફરિયાદ
જામનગર માં પટેલ કોલોની શેરી નંબર પાંચમાં રહેતી એક યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા બાદ તેણીના માતા-પિતા અને દાદીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા બાબતમાં ધમકી આપતો મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે ત્રણેય વડીલો સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલકોલોની શેરી નંબર પાંચમાં રહેતી 22 વર્ષની એક યુવતી કે જેણે તાજેતરમાં પોતાના પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જે લગ્ન તેણીના માતા પિતા વગેરેને પસંદ ન હતા.
દરમિયાન પંચવટી સોસાયટી વિસ્તારમાં તેની પુત્રી એક દૂધ ની ડેરીએ સામે મળી હતી. જેથી તેને રસ્તામાં રોકીને યુવતીના માતા પિતા અને દાદીમાં કે જે ત્રણેયએ જાહેરમાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પ્રેમ લગ્ન કરનાર યુવતી ત્યાંથી જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી હતી, અને પોતાના જ સગા માતા પિતા તેમજ દાદી વગેરે સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે બીએનએસ કલમ 352 અને 351(3) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને ત્રણેયની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.