સરકારી-ખાનગી શિક્ષકોના મહેનતાણામાં ભેદભાવ કરતાં પેપર મૂલ્યાંકન કામગીરી બંધ
બોર્ડના પેપરની ચકાસણની કામગીરી હાલ ચાલી રહી છે. અત્યાર સુધી સરકારી અને ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના શિક્ષકોને સમાન વેતન આપવામાં હતુ પરંતુ આ વર્ષે સરકારી શિક્ષકોને રૂા.400 અને ખાનગી શિક્ષકોને રૂા.250 ચૂકવતા વિવાદ થયો હતો. રાજકોટ-ગોંડલમાં મૂલ્યાંકનની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પણ શિક્ષણમંત્રીને ફરિયાદ કરતો પત્ર લખીને બોર્ડના પેપરોની ચકાસણી કરતા સરકારી - ગ્રાન્ટેડના શિક્ષકોને રૂૂ. 400 તો ખાનગી શાળાઓના શિક્ષકોને તે જ કામના માત્ર રૂૂ. 240 શા માટે ચૂકવવામાં આવે છે? તેવા સવાલ સાથે લેખિત રજૂઆત કરી હતી. રાજકોટનાં ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં શિક્ષકોએ બોર્ડના પેપરોની ચકાસણી બંધ કરી દીધી હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાતના પ્રમુખ જતીન ભરાડે શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અત્યારે ધોરણ 10 તથા ધોરણ 12 ના બોર્ડ પરીક્ષાના પેપર મૂલ્યાંકનની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ગ્રાન્ટેડ શાળા અને ગવર્મેન્ટ શાળાના શિક્ષકોને શહેરની કેટેગરી પ્રમાણે રૂૂ.400 પ્રમાણે ભથ્થું ચૂકવવામાં આવે છે જ્યારે ફિક્સ પગારવાળા તેમજ ખાનગી શાળાના શિક્ષકો અને જ્ઞાન સહાયકને રૂૂ. 240 પ્રમાણે ફિક્સ ભથ્થું ચૂકવાય છે.
વિવિધ પ્રકારના શિક્ષકો અને કર્મચારીઓની ટી.એ.ડી.એ.ની આવી વિસંગતતાઓ દૂર થાય તેવી ખાનગી શાળાના શિક્ષકોની સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળને રજૂઆત કરી છે. તેથી આપને ધ્યાન દોરવાનું કે સમાન કામ હોય સમાન વેતન મળવું જોઈએ. એક જ સ્થળ પર જ્યારે સમાન પેપરની ચકાસણી થતી હોય ત્યારે તેમાં કર્મચારીઓને જુદા-જુદા પ્રકારે મહેનતાણું ચૂકવવામાં આવે તે વ્યાજબી ગણાય નહીં.