For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંત્રીઓ સરકારી મશીનરીનો દુરુપયોગ કરે તો ગંભીર પગલાંની પંચની ચીમકી

05:22 PM Mar 29, 2024 IST | Bhumika
મંત્રીઓ સરકારી મશીનરીનો દુરુપયોગ કરે તો ગંભીર પગલાંની પંચની ચીમકી
  • સરકારી વાહનનો ઉપયોગ, અધિકારીઓને બોલાવવા અંગે પણ માર્ગદર્શિકા, સરકારી કર્મચારીઓને ઉમેદવાર કે પક્ષના પ્રચારથી દૂર રહેવા ફરમાન

Advertisement

લોકસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂૂઆત કરી દેવાઇ છે અને આચારસંહિતા લાગુ છે ત્યારે મંત્રીઓ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઇપણ રીતે દુરુપયોગ ન કરે કે સરકારી અધિકારીને રાજકીય હેતુ માટે બોલાવી શકે નહીં તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ગાઇડ લાઇન જારી કરી છે. મંત્રીઓ માટેની સૂચનાઓનું ઉલ્લંઘન ફક્ત આદર્શ આચારસંહિતાનું જ નહીં પરંતુ તેને ચૂંટણી પંચની સત્તાના પણ ગંભીર ઉલ્લંઘન તરીકે જાહેર કરાશે અને તે માટે ગંભીર શિક્ષા કરી શકાશે તેમ પણ જણાવાયું છે.

સામાન્ય ચૂંટણીઓ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓના પ્રવાસ સંબંધી ઇલેકશન કમિશન દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ચૂંટણીની જાહેરાતથી લઇને તે પૂર્ણ થાય ત્યાં સુધી કમિશને જે મતદાર વિભાગની ચૂંટણીની જાહેરાત કરી હોય તેવા કોઇપણ મતદાર વિભાગમાં સત્તાવાર મુલાકાત લઇ શકશે નહીં. તે સાથે કોઇપણ મંત્રી રાજ્યના ચૂંટણી સાથે સંકળાયેલા કોઇપણ અધિકારીને કોઇપણ સરકારી કે સત્તાવાર કામગીરીની ચર્ચા માટે મતદાર વિભાગની બહારના કોઇ સ્થળ, ઓફિસ કે ગેસ્ટ હાઉસમાં બોલાવી શકશે નહીં. મંત્રીઓ સરકારી વાહનોનો ઉપયોગ પોતાના મુખ્ય મથકમાં મહત્તમ નિવાસ સ્થાનથી કચેરી સુધી સરકારી કામ માટે જ ઉપયોગમાં લઇ જવા માટે હકદાર રહેશે પરંતુ ચૂંટણીના કે રાજકીય પ્રવૃતિ માટે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
મંત્રીઓ માટેની આ સૂચનાઓમાં અપવાદમાં મંત્રી કે મુખ્યમંત્રી જ્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ન જળવાઇ હોય કે કુદરતી આપત્તિની પરિસ્થિતિ તેમજ અન્ય કોઇ કટોકટીનો પ્રસંગ હોય તો તેની સમીક્ષા કે બચાવ કામગીરી માટે મુલાકાત લઇ શકશે કે અધિકારીને બહારના સ્થળે બોલાવી શકશે.

Advertisement

કમિશનની ભૂતકાળની સૂચનામાં ચૂંટણી દરમિયાન પક્ષની ચૂંટણી ઝુંબેશમાં ભાગ લેવાના ગુપ્ત ઇરાદાથી સત્તાવાર મુલાકાતના દેખીતા હેતુ માટે ગેસ્ટ હાઉસ અને અન્ય સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના તંત્રનો દુરુપયોગ કર્યો હોવાનું પણ નોંધાયું છે. પંચે સ્પષ્ટ તાકીદ કરી છે કે આ સૂચનાના ઉલ્લંઘનની ગંભીર નોંધ લેવાશે.

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે રાજકારણ અને ચૂંટણીઓમાં ભાગ લેવા સંબંધિત એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં કોઇપણ સરકારી કર્મચારી કોઇપણ રાજકીય પક્ષનો કે રાજકારણમાં ભાગ લેતા સંગઠનનો સભ્ય થઇ શકશે નહીં તેવા તાકીદ કરી છે. સરકારી કર્મચારીથી ચૂંટણીમાં સીધી કે આડકતરી રીતે પ્રચાર થઇ શકશે નહીં કે તેમાં દખલ પણ કરી શકાશે નહીં. ચૂંટણી વખતે અધિકારીઓ વિગેરેએ ઉમેદવારો માટે કામ નહીં કરવા અને મતદાન ઉપર અસર થાય તેવું કોઇ પ્રવૃતિ નહીં કરવા માટે પણ તાકીદ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે સરકારી કર્મચારીના વર્તન, વર્તણૂક અને અભિગમને લઇને સૂચનાઓ જાહેર કરી છે. તે મુજબ તે રાજકીય ચળવળ અથવા પ્રવૃતિમાં ભાગ લઇ શકશે નહીં કે તેમાં મદદરૂૂપે ફાળો પણ આપી શકશે નહીં અને બીજી કોઇપણ રીતે મદદ કરી શકશે નહીં. કોઇ પક્ષ કે સંગઠન રાજકારણમાં ભાગ લેતો હોય કે કોઇ ચળવળ કે પ્રવૃતિ આ નિયમની મર્યાદામાં આવે છે કે કેમ તેને લગતો પ્રશ્ન ઉપસ્થિત થાય તો સરકારનો નિર્ણય આખરી રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement