પહેલગામ ફર્સ્ટ, અરવલ્લી કલેકટર સેક્ધડ ધમકીભર્યા ઇમેઇલ મળતા ભારે અફરાતફરી
ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આંતકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઘટના બાદ દેશભરમાં અજંપાભરી સ્થિતિ છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્તકતા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. આવી સ્થિતિ વચ્ચે બુધવારે બપોરે અરવલ્લી કલેક્ટર કચેરીને એક શંકાસ્પદ મેલ મળતાં તંત્ર હરકતમાં આવી ગયુ હતું. શંકાસ્પદ મેલને પગલે સમગ્ર સેવા સદન ખાલી કરાવી દઈ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી દેવામાં આવી હતી. બીજી તરફ શંકાસ્પદ મેલ અંગે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે.અરવલ્લી કલેક્ટરને બુધવારે સવારે એક શંકાસ્પદ મેલ મળ્યો હતો.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પહેલગામ ફર્સ્ટ અને અરવલ્લી કલેક્ટર કચેરી સેક્ધડ એવા લખાણ સાથેનો મેલ મળતાં જ તંત્ર એલર્ટ થઈ ગયુ હતું અને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો અરવલ્લી સેવા સદનમાં દોડી પહોંચી હતી. અરવલ્લી સેવા સદનની તમામ કચેરીઓ ખાલી કરાવી દઈ પોલીસ દ્વારા શંકાસ્પદ મેલ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી દેવામાં આવી હતી. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લા સેવા સદનમાં શંકાસ્પદ મેલ મળતાં કડક સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં છે.
સમગ્ર જિલ્લા સેવા સદનની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સેવા સદન પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે.જો કે વિવિધ એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને પોલીસની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ મામલે અરવલ્લી વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા લોકોને જાણ કરવામાં આવી છે. એક તરફ ભારતની સેનાઓે પાકિસ્તાન અને પીઓકેમાં આંતકવાદીઓના ઠેકાણાઓ નિશાન બનાવી કેટલાક આંતકીઓને ઠાર કર્યા છે. આ ઘટના બાદ દેશભરમાં અજંપાભરી સ્થિતિ છે. તેવા સમયે જ અરવલ્લી કલેક્ટર કચેરીને શંકાસ્પદ મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે.