તમામ ગણેશ પંડાલમાં બે આયોજકોને રાત્રી રોકાણ ફરજિયાત
સુરતની ઘટના બાદ રાજકોટ પોલીસ કમિશનર એક્શનમાં, શહેરના 300થી વધુ પંડાલ આસપાસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ સઘન બનાવવા સૂચના, આયોજકોની તાકીદની બેઠક યોજી
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર વિધર્મીઓએ કરેલા પથ્થરમારાની ઘટનાબાદ રાજયભરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેને પગલે રાજકોટ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં શહેરના 300થી વધુ ગણપતિ આયોજકો સાથે મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં શહેરના તમામ ગણેશ પંડાલના આયોજકોએ ફરજિયાત બે આયોજકોએ ગણેશ પંડાલમાં રાત્રી રોકાણ કરવા પોલીસ કમિશનરે સુચના આપી છે. તેમજ શહેરના 300થી વધુ પંડાલ આસપાસ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને કોમ્બીંગ કરવા સુચના આપવામાં આવી છે.
સુરતની ઘટના બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એક્શન મોડમાં આવી ગયા છે. રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તમામ આયોજકો સાથે તાકિદની બેઠક બોલાવી હતી. અને શહેરના 300થી વધુ ગણેશ ઉત્સવના આયોજકો સાથે પોલીસ અધિકારીઓની મળેલી મીટીંગમાં કેટલાક મહત્વના સુચનો કરવામાં આવ્યા હતાં. જેમાં તમામ ગણેશ પંડાલોમાં બે આયોજકોને રાત્રી રોકાણ ફરજિયાત કરવા સુચના આપવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-2 સજ્જનસિંહ પરમાર અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિત શહેરના તમામ એસીપી તેમજ શહેરના તમામ પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ મીટીંગમાં આયોજકોને પોલીસ કમિશનરે મહત્વના સુચનો કરી કોઈ અિચ્છિનીય બનાવ ન બને તેનીતકેદારી રાખવા સૂચના આપી હતી.
ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ગણેશ મહોત્સવનું આયોજન થયું છે. તે ગણેશ પંડાલ આસાપાસ જે તે વિસ્તારના પોલીસ મથકની પીસીઆર અને મોટર સાયકલ ઉપર પેટ્રોલીંગ કરવા સુચના આપવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન થયું હોય જેના માટે પોલીસ સ્ટેશનેેથી મંજુરી મેળવવામાં આવ્યું હોય સૌથી વધુ આયોજન ભક્તિનગર પોલીસ વિસ્તારમાં છે. જ્યાં 44 આયોજન ત્યાર બાદ માલવિયા નગર અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 42 જ્યારે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 33, યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં 36, પ્રનગર પોલીસમાં 35, થોરાળામાં 24, આજીડેમમાં 21 અને તાલુકા પોલીસ સ્ટેશનમાં 20 એમ કુલ 300થી વધુ અરજીઓ મળી હોય આ અરજી સંદર્ભે તમામ આયોજકોને તાત્કાલીક પોલીસ કમિશનર કચેરીએ બોલાવવામાં આવ્યા હતાં. અને જ્યાં ફરજિયાત બે આયોજકોને ગણેશ પંડાલમાં રાત્રી રોકાણ કરવા સુચના આપવામાં આવી છે.