સારવારના અભાવે તરુણીનું મૃત્યુ નીપજતાં રાવલના ગ્રામજનોમાં આક્રોશ
ન.પા.ના ચિફ ઓફીસર, પ્રમુખ, મામલતદારને આવેદન અપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે તાજેતરમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે હનુમાનધાર વિસ્તારમાં રહેતી ખૂબ જ બીમાર અવસ્થામાં મંગુબેન કેશુભાઈ મારુ નામની આધારે 15 વર્ષની તરુણીને રાવલ-હનુમાનધાર વચ્ચે વર્તુ નદીના પુલ પર અતિ ભારે ભયાનક પુર આવ્યું હોવાથી મંગુબેનને જરૂૂરી સારવાર મળી ન હતી. જેથી સારવાર ન મળવાના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. આના અનુસંધાને હનુમાનધારના લોકો તથા યુવતીના પિતા દ્વારા નગરપાલિકા ખાતે સ્થાનિક મામલતદાર, રાવલના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ વિગેરેને હનુમાનધાર, બારીયાધાર અને રાવલના જે પ્રાણ પ્રશ્નો છે તે બાબત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવાયા મુજબ હનુમાનધાર, બારીયાધારને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ તેમજ ડોક્ટરોની સુવિધા મળે તથા રાવલ અને હનુમાનધાર વચ્ચે ઓવર બ્રિજ (મોટો પુલ) બને તેમજ રાવલના જે પરા વિસ્તાર છે ત્યાં રાવલ શહેરની સાથે પૂરતો વીજ પુરવઠો મળે તે માટેની માંગ કરવામાં આવી હતી.
રાવલ નગરપાલિકા હોવા છતાં કેટલાક વિસ્તારોને અમુક સુવિધાઓ મળી નથી તે તાત્કાલિક મળે તેવી લોક માંગ પણ આ વિસ્તારના રહીશો દ્વારા તંત્ર સમક્ષ કરવામાં આવી હતી. આ ઉપરાંત મૃતક યુવતી મંગુબેનને મુખ્યમંત્રી રાહત કોષમાંથી તેણીના પરિવારને આર્થિક મદદ મળે તે માટેની માંગ કરાઈ હતી.
આ વચ્ચે રાવલના મામલતદાર દ્વારા જણાવાયા મુજબ રાવલ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા આ ધસમસતા પૂરમાં હોડી દ્વારા અમે યુવતીની મદદે ગયા હતા, પણ પૂરમાં પાણીનો પ્રવાહ અતિ ભારે હોવાથી રેસ્ક્યુ ટીમ મદદે પહોંચી ન શકી હતી. જેથી તરુણીની તબિયત બગડતા તેણી મૃત્યુ પામી હતી. અહીં દવાખાના, પ્રાથમિક સારવાર અને ડિઝાસ્ટરની મદદ અને વીજ પ્રશ્ને વધુ સગવડ મળે તેવા અમારા સતત પ્રયાસો ચાલુ છે.