સીલિંગ સામે આક્રોશ: હોટેલ-રેસ્ટોરાની હડતાળ
બહારગામથી આવેલા અનેક લોકો હડતાળના કારણે આચોડુચો ખાઈ પેટભરવા મજબુર બન્યા, નાસ્તાના ધંધાર્થીઓને બોલી ગયો તડાકો
પાર્ટી પ્લોટ, હોટલો, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, કેટરર્સ, મંડપ કોન્ટ્રાક્ટરો સહિતનાએ જડબેસલાક બંધ રાખી તંત્રને ઢંઢોળવાનો કર્યો પ્રયાસ
ટીઆરપી અગ્નિકાંડ બાદ સરકારે ત્વરીત પગલા લઈ ફાયર સેફ્ટી અને બીયુ અંગે કડક કાર્યવાહી હાથ ધરી સેંકડો મિલ્કતો સીલ કરી હતી. ત્યાર બાદ બીયુ અને ફાયર એનઓસી મુદદ્દે થોડો સમય આપવામાં આવેલ પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી કોઈપણ જાતની સુચના આપ્યા વગર ધડોધડ મિલ્કતો સીલ કરવાની કામગીરી શરૂ કરાતા હોટલ રેસ્ટોરન્ટ, કાફે, પાર્ટી પ્લોટ સહિતના સંચાલકોએ માર્ગદર્શન અને સમય આપ્યાવગર કડક કાર્યવાહી શરૂ કરવાનો વિરોધકરી 24 કલાક બંધની ચીમકી આપી હતી. જે અનુસંધાને આજે સવારે છ વાગ્યાથી રાજકોટમાં હોટલ, રેસ્ટોરન્ટ સહિતના 2000થી વધુ ધંધાર્થીઓએ બંધ પાડી હડતાલ કરતા અનેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મહા નગર પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ફાયર એનઓસી અને બીયુ સર્ટી અંતર્ગત ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
ધડોધડ રેસ્ટોરન્ટ, હોટલો સીલ કરવામાં આવતા સંચાલકોમાં ભારે આક્રોશ સાથે નારાજગી વ્યાપી ગઈ હતી. તંત્રની કામગીરીનો વિરોધ કરી હોટલ,રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટ, કેટરર્સ સહિતના સંચાલકો દ્વારા ફેડરેશન ઓફ હોસ્પિટાલીટીની રચના કરવામાં આવી હતી અને બેઠક યોજી પ્રથમ આ અંગે તંત્રને રજૂઆત કરેલ છતાં તંત્રએ આ મુદ્દે ઘટતુ ન કરતા આજે ધંધા બંધ રાખી હડતાલનો એલાન આપવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરન્ટ, અને પાર્ટી પ્લોટ સહિતના ધંધાર્થીઓને વધુ તકલીફ હોય બંધનું એલાન આપેલ જેમાં મંડપ કોન્ટ્રાક્ટરો અને હાઈવે હોટલના ધંધાર્થીઓએ પણ ટેકો જાહેર કર્યો હતો. જેના કારણે આજે સવારતી શહેરની એક પણ હોટલ રેસ્ટોરન્ટ કે પાર્ટીપ્લોટ અને બેન્ક્વેટ હોલ ખુલ્યા ન હતાં સંચાલકો દ્વારા આજે બહુમાળી ચોક ખાતે એકઠા થઈ તંત્રનીકામગીરીનો વિરોધ કર્યો હતો. અને જણાવેલ કે, ફાયર સેફ્ટી અને બીયુસર્ટી માટે મહાનગરપાલિકા દ્વારા અતિરેક કરવામાં આવી રહ્યો છે.
માર્ગદર્શન વગર ફાયર એનઓસી અંતર્ગત એકમો સીલ કરવામાં આવી રહ્યા છે આથી પ્રથમ હોટલ રેસ્ટોરન્ટ તેમજ અન્ય એકમોને લાગુ માર્ગદર્સિકાની નોટીસ આપવામાં આવે જેથી સંચાલકો તે મુજબના નિયમો હેઠળ ફાયર એનઓસી મેળવવાની તેમજ બીયુ સર્ટી મેળવવાની કાર્યવાહી કરી શકે આમ આજે ફાયર સેફ્ટી અને બીયુ સર્ટી મુદ્દે હોટલ, રેસ્ટોરન્ટ સહિતના સંચાલકોએ આક્રોસ સાથે બંધ પાડી જડબેસલાક હડતાલ કરી હતી.
બંધના એલાનમાં પણ બે ફાટા પડ્યા
ફાયર એનઓસી અને બીયુ સર્ટીની અતિરેક કામગીરી સામે હોટેલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ, મંડપ સર્વિસ સહિતના સંચાલકોએ આજે હડતાલ પાડી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. પરંતુ બંધ દરમિયાન સંચાલકોમાં પણ બે ફાટા જોવા મળ્યા હતાં. આજે સવારતી અમુક હોટેલ-રેસ્ટોરન્ટ સજ્જડ બંધ રહ્યા હતાં. જ્યારે સવારનાસમયે એક હોટેલ અને રેસ્ટોરન્ટ ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા હતાં. ત્યારે ચાલુ રહેલા હોટેલોના સંચાલકોના જણાવ્યા મુજબ બહારગામથી આવીને હોટેલમાં ઉતરેલા ઉતારુઓને જમવા માટે રસોડા ચાલુ રાખવામાં આવ્યા હતાં. બાકી તમામ વિભાગ બંધ રાખી હડતાલમાં જોડાયા હતાં. તેમ જણાવ્યું હતું.
હોટેલોના સીલ ખોલવા માટે રૂા.પાંચ લાખની માંગણી?
રાજકોટમાં આજે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો અને ખાણી પીણીના વેપારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની આડેધડ સિલિંગની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરીને બંધ પાળ્યો છે. રાજકોટના 800થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો આ બંધમાં જોડાયા છે. બીજી તરફ હોટેલ સંચાલકોએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે અત્યારે સિલિંગની કાર્યવાહી સમયે પણ નિમીષાબેન નામના એક અધિકારીએ સીલ ખોલવાની પ્રક્રિયામાં 5 લાખની ખંડણી માગી હતી. હોટલ સંચાલક મેહુલભાઇએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હોટલોના સિલ ખોલવા માટે 5 લાખ રૂૂપિયા માંગવામાં આવ્યા હતા જેથી રાજકોટ મનપામાં હજુ પણ તોડ કાંડ યથાવત હોવાનું સામે આવ્યું છે. હોટેલ સંચાલકોએ કહ્યું કે મનપાને અત્યાર સુધી કેમ કોઇ નિયમો યાદ ના આવ્યા અને ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી તો નિયમ યાદ આવ્યા છે. રાજકોટમાં હાલ હોટલને લાગતી 600 જેટલી પ્રોપર્ટી સિલ હોવાનું સામે આવ્યું છે.