સુરતમાં બેકાબૂ ટ્રકે કહેર મચાવ્યો: 4 લોકોને અડફેટે લેતા 1નું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત
સુરતના કામરેજ વિસ્તારમાં નવાગામ નજીક એક બેકાબુ ટ્રકે તબાહી મચાવી છે. નવાગામ બ્રિજ પર એક પિકઅપ બોલેરો પલટી મારી ગઇ હતી. આ અકસ્માતને લઈને ટ્રાફિક હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બે પોલીસકર્મી સહિત ચાર લોકોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ નજીક નવા ગામ બ્રિજ પાસે ટ્રકે બોલેરો, ટ્રેલર અને ટ્રાફિક પોલીસવાનને અડફેટે લીધા હતા. જેમાં બોલરો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત થયું છે. જ્યારે બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે ટ્રક ક્લીનરને પકડી પાડ્યો હતો અને ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બેકાબૂ બનેલા ટ્રક નંબર RJ 14 gn 5069એ પૂરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જયો હતો. દુર્ઘટનામાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલક રાધે ક્રિષ્ના પાંડેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બે પોલીસ કર્મી કિરણ સિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.