રાજકોટમાં બેકાબૂ સિટી બસે અનેકને ઉલાળ્યા, ચારનાં મોત
ભારે અફરા તફરીનો માહોલ, ઉશ્કેરાયેલા ટોળાંએ બસોમાં કરેલી તોડફોડ, ડ્રાઇવર પીધેલો હોવાનો આરોપ, પોલીસે ડ્રાઇવરને બચાવ્યો
બેકાબૂ બનેલી સિટી બસે એક કાર સહિત બે વાહનોને પણ ઉલાળ્યા, મૃતદેહો રોડ ઉપરથી ઉપાડવા દેવાનો ટોળાંએ ઇનકાર કરતા સ્ફોટક સ્થિતિ: પોલીસના લાઠીચાર્જથી નાસભાગ
રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર ઇન્દીરા સર્કલ જેવા ભારે ટ્રાફિકવાળા વિસ્તારમા આજે સવારે બેકાબુ બનેલી એક સિટી બસે રોડની બાજુમા ઉભેલા 7 થી 8 લોકોને હડફેટે લેતા 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજયા હોવાના અહેવાલો મળે છે. સિટી બસના આ ટ્રાફિક ટેરરથી ભારે અફરા તફરી મચી જવા પામી હતી અને ઉશ્કેરાયેલા લોકોએ સિટી બસોમા તોડફોડ ચાલુ કરી દેતા વાતાવરણ તંગ બની ગયુ હતુ. ઉશ્કેરાયેલા લોકોનું ટોળુ સિટી બસના ડ્રાઇવરને નિશાન બનાવે તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેને બચાવીને હોસ્પિટલે લઇ ગયા હતા. સિટી બસનો ડ્રાઇવર દારૂ ઢીંચીને બસ ચલાવતો હોવાનો આક્ષેપ નજરે જોનાર લોકોએ કર્યો હતો. આ ઘટનાના પગલે અગમચેતીના કારણોસર થોડો સમય માટે શહેરમા અમુક વિસ્તારોમા સિટી બસ વ્યવહાર બંધ કરી દેવામા આવ્યો છે. બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતા ભારે નાસભાગ મચી જવા પામી હતી અને અનેક લોકો એકબીજા ઉપર ખાબકયા હતા.
મળતી માહિતી મુજબ કાલાવડ રોડ અને 150 ફુટ રીંગ રોડનાં ક્રોસિંગ ઉપર ઇન્દીરા સર્કલ પાસે આજે સવારે અચાનક જ સિટી બસે ટ્રાફિક ટેરર સર્જયો હતો અને રોડની બાજુમા ઉભેલા 7 થી 8 લોકોને હડફેટે લઇ એક અલ્ટો કાર સહિત બે વાહનને પણ હડફેટે લેતા 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજયા હોવાના અહેવાલ છે. જયારે સિટી બસના ડ્રાઇવર સહિત પાંચ લોકોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હોય ચારે બાજુ ટ્રાફિકજામ થઇ ગયો હતો. રસ્તા ઉપર પડેલી 4 લાશો ઉપાડવા દેવાનો પણ ટોળાએ ઇન્કાર કરતા સ્થિતિ સ્ફોટક બની ગઇ છે. પોલીસ મહા મહેનતે બસ ચાલકને બચાવીને ભાગી ગઇ હતી. જયારે અન્ય પોલીસ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા બાદ મામલો બિચકતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના પગલે ભારે નાસભાગ મચી જવા પામી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અધિકારીઓને પણ ઘેરી લેતા સ્ફોટક વાતાવરણ સર્જાયુ હતુ.
આ ઘટનાના પગલે ઇન્દીરા સર્કલ વિસ્તારમા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો અને લોકોના ટોળાએ સિટી બસોને નિશાન બનાવવાનુ ચાલુ કરતા અકસ્માત સર્જનાર બસ ઉપરાંત અન્ય એક સિટી બસમા પણ તોડફોડ કરી હોવાનુ જાણવા મળે છે. આ ઘટનામા 1 મહીલા સહીત 4 નિર્દોષ લોકોનાં મોત નિપજયાના અહેવાલો મળે છે. લોકોનો રોષ ચરમસીમાએ હોય સ્થિતિ ભારે સ્ફોટક બની છે.
આ ઘટનાના પગલે ઇન્દીરા સર્કલ વિસ્તારમા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામા આવ્યા છે. ઉશ્કેરાયલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસ સમજાવટથી લોકોને વિખેરવા પ્રયાસો કરતી જોવા મળી હતી. આ ઘટનાના પગલે લોકોનો રોષ ચરમસીમાએ હોય અમુક લોકોએ ડ્રાઇવરને તાત્કાલીક સ્થળ પર હાજર કરવા માંગણી કરી હતી.