ઓસવાળ ટ્રસ્ટ વિવાદ: ફુવા ભત્રીજી સામે કરશે માનહાનીનો દાવો
જાહેરમંચ પર થયેલા વ્યવહારથી મારી આબરૂને મોટો ધકકો લાગ્યો છે: જીનેશ શાહ
શહેરના પ્રતિષ્ઠિત અને 43 વર્ષ જૂના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એલ.જી. હરિયા સ્કૂલ અને કોલેજ સહિત કુલ 18 શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનમાં ઉભો થયેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગત તા. 25, શુક્રવારના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ વચ્ચે જાહેરમાં થયેલી બોલાચાલી બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, ત્યારે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને ફાઉન્ડર એમ.ડી. રમણીકભાઈ શાહ (આર.કે. શાહ) દ્વારા પત્રકાર પરિષદ યોજીને અનેક મુદ્દાઓ પર ખુલાસા કર્યા હતા અને ચેરમેનના પુત્રીની દરમિયાનગીરી અંગે સ્પષ્ટતા કરી હતી.
પત્રકાર પરિષદમાં રમણીકભાઈ શાહ સાથે કુલ 11 માંથી 9 ટ્રસ્ટીઓ, જેમાં ભરતેશ શાહ અને ચંદુભાઈ શાહ સહિતનાઓ, ઉપરાંત કોલેજના કેમ્પસ ડિરેક્ટર અજય શાહ, સ્નેહલબેન પલાણા, જીનેશભાઈ શાહ તથા કોલેજ અને ટ્રસ્ટ બોર્ડના કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રમણીકભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલ જયંતીભાઈ હરિયા ટ્રસ્ટના ચેરમેન છે, પરંતુ તેમના પુત્રી જિજ્ઞાબેન હરિયા ટ્રસ્ટ કે તેની સંસ્થાઓમાં કોઈપણ હોદ્દો ધરાવતા નથી, તેમ છતાં તેઓ સ્કૂલ અને કોલેજના મેનેજમેન્ટમાં અસહ્ય દખલગીરી કરે છે.તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, જિજ્ઞાબેન હરિયા ટ્રસ્ટીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગેરવર્તન કરે છે, જે અંગે ટ્રસ્ટ ઓફિસમાં જિજ્ઞાબેન વિરુદ્ધ 15 જેટલી લેખિત ફરિયાદો મળવા પામી છે.
તેમણે તાજેતરમાં યોજાયેલા એમબીએ અને એમસીએ કોલેજના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ટ્રસ્ટ બોર્ડ મીટીંગના કાયમી ખાસ આમંત્રિત સભ્ય જીનેશભાઈ શાહને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવા માટે સ્ટેજ ઉપર બોલાવવામાં આવતા જ જિજ્ઞાબેન હરિયાએ એન્કર પાસેથી માઈક છીનવી લીધું હતું અને જીનેશભાઈના હાથમાંથી સર્ટિફિકેટ પણ ઝુંટવી લીધા હતા.
આ માથાકૂટ લગભગ એક કલાક સુધી ચાલી હતી. તેમણે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સમયે ચેરમેન જયંતીભાઈ હરિયા અને તેમના પત્ની કંચનબેન દ્વારા પોતાની પુત્રીને રોકવાના બદલે તેમને સાથ આપવામાં આવ્યો હતો, જેના કારણે મામલો વધુ બિચક્યો અને પોલીસ બોલાવવાની ફરજ પડી. આર.કે. શાહે એમ પણ સ્પષ્ટ કર્યું કે જિજ્ઞાબેન હરિયા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો આખરે તેમના અંગત છે અને 43 વર્ષ જૂની આ સંસ્થા લોકહિતમાં કામ કરી રહી છે. ઓસવાળ હાઇટ્સ બિલ્ડીંગના ફ્લેટ વેચાણના પૈસા પણ ટ્રસ્ટમાં જમા થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, પત્રકાર પરિષદમાં ઉપસ્થિત જીનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, જાહેર કાર્યક્રમમાં જિજ્ઞાબેન હરિયાના કૃત્યથી તેમની આબરૂૂને મોટો ધક્કો લાગ્યો છે. આથી, તેઓ જિજ્ઞાબેન હરિયા વિરુદ્ધ માનહાનિનો દાવો નોંધાવશે અને આ દાવાની રકમ પાંચ કરોડ રૂૂપિયા હોવાનું તેમણે જણાવ્યું હતું. જીનેશભાઈએ એમ પણ કહ્યું કે, જયંતીભાઈ હરિયા ખોટા છે, ભલે તે તેમના સાળા હોય. અંતમાં, જીનેશભાઈ શાહે એવો પડકાર ફેંક્યો કે હવે તેઓ ઓફિશિયલ રીતે આ ટ્રસ્ટમાં જોડાઈ ગયા છે. આમ, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટનો આંતરિક વિવાદ પોલીસ ફરિયાદ બાદ હવે માનહાનિના દાવા અને જાહેર પડકારો સુધી પહોંચ્યો છે, જે સંસ્થાના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે.