28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાન
રાજકોટમાં માધાપર ચોકડી પાસે ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ફજેતો, પોલીસે છના લગ્ન સંપન્ન કરાવ્યા
રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આજે ઋષિવંશી સમાજ સેવાસંઘ-રાજકોટ દ્વારા આયોજીત સમુહ લગ્નોત્સવ યોજાય તે પહેલા આયોજકો લાખો રૂપિયાનો ફંડફાળો અને વરક્ધયા પક્ષ પાસેથી નાણા ઉઘરાવી નાશી છુટતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો અને લગભગ સવારે 6 થી 11 વાગ્યા સુધી ચાલેલી બઘડાટી બાદ સમુહ લગ્નમાં લગ્ન માટે આવેલ 28માંથી 22 જાન લીલા તોરણે પરત ફરી હતી જ્યારે મોડે મોડે એક્શનમાં આવેલી પોલીસે મોરચો સંભાળી સ્થળ ઉપર હાજર છ યુગલના ઘડિયા લગ્ન કરાવી મામલો થાળે પાડ્યો હતો.
સમુહ લગ્નોત્સવની આ ઘટનામાં સૌરાષ્ટ્રભરમાંથી લગ્ન માટે આવેલા વરક્ધયા અને જાનૈયા-માંડવિયાઓનો ભારે ફજેતો થતાં દેકારો મચી જવા પામેલ હતો અને સમુહ લગ્નોત્સવના મુખ્ય આયોજક ભાજપના કાર્યકર એવા ચંદ્રેશ છત્રોલા નામના શખ્સ સામે ભારે ફિટકાર અને આક્રોશની લાગણી વ્યક્ત કરી હતી. આ શખ્સ સહિતની સમુહ લગ્નોત્સવ આયોજક ટીમ સામે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ ટોળકીએ ઋષિવંશી સમાજસેવા સંઘના નામે સમુહ લગ્નનું આયોજન કરનાર ચંદ્રેશ જગદીશભાઈ છત્રોલા તેમજ તેની સાથેના નિમંત્રક દિલીપ પ્રવિણભાઈ ગોહિલ, દિપક હિરાણી, હાર્દિક શિશાંગિયા, મનીષ વિઠલાપરા તથા દિલીપ વરસડા સહિતના શખ્સો નાશી છુટ્યા હતાં અને આજે વહેલી સવારથી સમુહ લગ્નના સ્થળે 28 જાન આવી પહોંચી હતી પરંતુ આયોજકો નહીં ફરકતા કલાકો સુધી ધાંધલ ધમાલ અને ક્ધયાઓ સહિતની મહિલાઓની રોકકળના દ્રશ્યો જોવા મળ્યો હતાં. કલાકો સુધી આયોજકો નહીં ફરકતા 22 જાન પરત ફરી હતી. જ્યારે મોડે મોડે દોડી આવેલી પોલીસે મામલો સંભાળી સ્થળ ઉપર હાજર 6 વર ક્ધયાના ઘડિયા લગ્ન કરાવ્યા હતાં અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી જાનૈયા-માંડવિયાઓને જમાડ્યા હતાં.
આ સમગ્ર મામલો પોલીસ અને કલેક્ટર સુધી પહોંચતા પોલીસે વચલો રસ્તો કાઢી સમુહ લગ્નમાં સ્થળ ઉપર હાજર યુગલોના લગ્ન કરાવ્યા હતાં. જો કે, નાશી છુટેલા આરોપીઓ સામે ભારેફીટકાર અને આક્રોશ સાથે વર ક્ધયા પક્ષના લોકોએ કડક પગલા ભરવાની ઉગ્ર માંગણી કરી છે. આ સમુહ લગ્નના આયોજકોએ આકર્ષક કંકોત્રીઓ છપાવી 208 જેટલી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવાના નામે રાજકોટ ઉપરાંત ધોરાજી, ગોંડલ, જૂનાગઢ, મોરબી, કેશોદ, જામનગર, જામ કંડોરણા, કાલાવડ સહિતના વિસ્તારના ગરીબ પરિવારના લોકોને સમુહ લગ્નમાં જોવાવા લલચાવ્યા હતા અને આ પરિવારો પાસેથી પણ રૂા. 20-20 હજાર પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.
હાલ આ મામલે ભારે ખળભળાટ અને ચર્ચા જાગી હોવાથી પોલીસ પણ એક્શનમાં આવી છે અને આયોજકો સામે ટુંક સમયમાં છેતરપીંડી સહિતના ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં પ્રગટ થયો!
રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સમુહ લગ્નોત્સવમાં 28 યુગલોને લગ્નવગર રઝળાવી મુકવાની ઘટનાથીભારે દેકારો મચી જતાં મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં પ્રગટ થયો હતો અને પોતાને ટાઈફોડ હોવાનો બચાવ કરી સોશિયલ મીડિયા ઉપર હોસ્પિટલમાં દાખલ હોવાનું સ્ટેટસ મુકી દીધું છે. આ શખ્સ ગઈકાલે રાત્રે 9 વાગ્યે મવડી વિસ્તારમાં આવેલી રઘુવીર હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું અને વહેલી સવારે રજા લઈ નાશી ગયાનું બહાર આવ્યું છે. ત્યારે તે ખરેખર બીમાર છે કે ફજેતો થતા હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. તે અંગે તરેહ તરેહની ચર્ચા જાગી છે.