કર્મચારીઓને તા.15મી સુધીમાં સંપત્તિની માહિતી આપવા આદેશ
સમયમર્યાદામાં જાણ નહીં કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ
ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને, ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય, તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય હેઠળ, લગભગ ચાર લાખ કર્મચારીઓએ 15 જુલાઈ સુધીમાં આ માહિતી આપવી ફરજિયાત છે. જે કર્મચારીઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી સૂત્રો અનુસાર, કર્મચારીઓ વચ્ચે વધતા જતા ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી નીતિ અંતર્ગત, કર્મચારીઓએ માત્ર તેમની વ્યક્તિગત આવક જ નહીં, પરંતુ તેમના જીવનસાથી અને અન્ય પારિવારિક સભ્યોની આવકની વિગતો પણ જાહેર કરવી પડશે. વારસામાં મળેલી મિલકતની માહિતી પણ આપવી પડશે. જાહેર કરવાની સંપત્તિમાં રોકડ, બેંક ખાતાં, ફિક્સ્ડ ડિપોઝિટ્સ, સોના ચાંદીના આભૂષણો, કૃષિ જમીન અને રિયલ એસ્ટેટમાં રોકાણનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના વધારાના મુખ્ય સચિવ કમલ દયાનીએ જારી કરેલા પરિપત્રમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને ક્લાર્ક સુધીના તમામ કર્મચારીઓને આ માહિતી પ્રદાન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ, માત્ર અખિલ ભારતીય સેવાના અધિકારીઓ જેમ કે આઇએએસ, આઇપીએસ અને આઇએફએસને વાર્ષિક સંપત્તિ વિવરણ (એપીઆર) સબમિટ કરવાની જરૂૂર હતી. હવે, આ નિયમ રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. આ પગલું સરકારી વહીવટમાં વધુ પારદર્શિતા લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.