સાત દી’માં લાલ લાઈટો-સાયરનો દૂર કરવા આદેશ
પ્રતિબંધના હુકમની અમલવારી નહીં થતાં હાઈકોર્ટ નારાજ, વાહનો પર લાલ લાઈટ-સાયરનો દૂર નહીં કરનાર અધિકારીઓ સામે ક્ધટેમ્પ્ટની કાર્યવાહીની ચેતવણી
ગુજરાત હાઈકોર્ટ વી.આઈ.પી. પ્રોટોકોલની આદત વાળા અધિકારીઓના વાહનો ઉપરથી સાત દિવસમાં પ્રેસ લાઈટ અને સાયરન હટાવી લેવાની અંતિમ મુદત આપી છે અને સાત દિવસમં લાલ લાઈટ તથા સાયરન બન્ને દૂર કરવામાં નહીં આવે તો હાઈકોર્ટના હુકમના તિરસ્કારની કાર્યવાહી કરવાની નોટિસ જારી કરી છે.
લાલબતીવાળા વીઆઈપી કલ્ચર ઉપર પ્રતિબંધ મુકવા 2014માં હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય સરકારે અને ત્યાર બાદ 2017માં કેન્દ્ર સરકારે પણ સરકારી અધિકારીઓના વાહનો ઉપર લાલ લાઈટ અને સાયરન લગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
પરંતુ આ પ્રતિબંધ માત્ર કાગળ ઉપર રહી ગયો હોય તેમ વીઆઈપી પ્રોટોકોલની આદતવાળા અધિકારીઓ હજુ પણ વાહનો ઉપર લાલલાઈટો અને સાયરનો લગાવીને ફરતા હોવાની ફરી હાઈકોર્ટમાં અરજી થતાં હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું હતું.
હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને નટિસ પાઠવી જવાબ માંગ્યો છે. કોર્ટે પ્રિન્સીપાલ સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ વિભાગ અને ગૃહવિભાગને લાલલાઈટ તથા સાયરન પર પ્રતિબંધની કડક અમલવારી કરવા તાકિદ કરી છે.
સાત દિવસમાં જવાબ માંગ્યો છે. સાથો સાથ સાત દિવસમાં અધિકારીઓ દ્વારા લાલ લાઈટો અને સાયરન દૂર કરવામાં નહીં આવે તો આવા અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.
આમ કાયદાનું પાલન કરવાની જેની જવાબદારી છે તેવા ઉચ્ચ અધિકારીઓ જ કાયદાનો ભંગ કરતા હોવાનું ધ્યાને આવતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. અને પ્રતિબંધનો કડક અમલ કરવા તાકીદ કરી છે.