હરીપર (તરવડા)ની સરકારી ખરાબાની જમીનનું દબાણ 10 દિવસમાં દૂર કરવા આદેશ
સર્વે નંબર 160માં કબ્જો ખૂલ્લો કરવા ઉ5રાંત રૂા. 55000નો દંડ
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના હરીપર (તરવડા) ગામે દબાણની જમીન સ.નં. 160 સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ કરવા બદલ મામલતદાર, લોધીકાની કોર્ટ દ્વારા બે અલગ-અલગ કેસમાં દબાણદારને કુલ રૂ. 55,250 નો દંડ ફટકારી દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ કરવામાં આવ્યો છે. આ દબાણ કેસની કાર્યવાહી ગુલાબભાઈ દાઉદભાઈ ઠેબા વિ. (2) નામના વ્યક્તિઓની ખેતીની જમીન માટે બીનખેતી પરવાનગી આપવા કલેકટર રાજકોટને કરેલી ઓનલાઈન અરજીના સંદર્ભે સ્થળ-સ્થિતિની ખરાઈ દરમિયાન સરકારી ખરાબાની જમીન હોવાનું સામે આવ્યું હતું.
મામલતદાર, લોધીકાની કોર્ટ દ્વારા હુકમ મળ્યાના 10 દિવસમાં દબાણવાળી તમામ સરકારી જમીનનો કબજો સ્વમેળે અને સ્વખર્ચે ખુલ્લો કરવો અને બિનઅધિકૃત દબાણ બદલ નક્કી કરાયેલ દંડની રકમ હુકમ મળ્યાની તારીખથી એક (1) માસમા તલાટી-કમ-મંત્રી , હરીપર તરવડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ભરપાઈ કરવા માટેનો હુકમ કર્યો છે.