સાગઠિયા કાળમાં બનેલી કોઠારિયા ટીપી 38-39માં ફેર વિચારણાના આદેશ
પાંચ વર્ષ પહેલા ડ્રાફ્ટ તૈયાર કરી સરકારમાં મોકલેલ જે મંજૂર થયા બાદ અનેક વિસંગતતાઓ બહાર આવતા સરકારે બે ટીપીઓની નિમણૂક કરવા સૂચના આપી
રાજકોટ શહેરના વિકાસ વધતા વસ્તી વધારાના કારણે રોડ રસ્તા તેમજ નવા ઈન્ફાસ્ટ્રક્ચરની જરૂરિયાત દિવસે દિવસે વધી રહી છે જેના લિધે નવી ટીપી સ્કીમોના ડ્રાફ્ટ તૈયાર થવા લાગ્યા છે. પરંતુ રોડ રસ્તા અને સાર્વજનિક પ્લોટ મુદ્દે અનેક વખત જમીન માલિકોને અન્યાય થયાની કાગારોળ ઉઠી છે. જેમાં હવે કોઠારિયા ટીપી સ્કીમ 38 અને 39નો ડ્રાફ્ટ પૂર્વ ટીપીઓ સાગઠિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ અને ડ્રાફ્ટ સરકારમાં રજૂ થતાં ગત તા. 2 ના રોજ સરકારે ડ્રાફ્ટ મંજુર કર્યો હતો. પરંતુ આ બન્ને ટીપી સ્કીમોમાં જે તે વખતે અનેક ફરિયાદો ઉઠી હતી. તેવી જ રીતે ટીઆરપી ગેમઝોન દૂર્ઘટનામાં હાલ જેલહવાલે થયેલા ટીપીઓએ ડ્રાફ્ટ તૈયાર કરેલ હોય તેમાં ઘાલમેલ થયાની શંકા અગાઉ ઉભી થયે અને આ મુદ્દે સરકારમાં રજૂઆત થયેલ પાંચ વર્ષ પહેલા તૈયાર થયેલ ડ્રાફ્ટને હવે મંજુરી આપ્યા બાદ સરકારે કોઠારિયા ટીપી સ્કીમ નં. 38 અને 39ને આગળ ધપાવી બન્ને ટીપી સ્કીમમાં ટીપીઓની નિયુક્ત કરવાના આદેશ જારી કર્યા છે.
શહેરમાં નવા ભળેલા કોઠારિયા વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા ટીપી સ્કીમ નં. 38 અને 39નો ડ્રાફ્ટ તત્કાલીન ટીપીઓ સાગઠિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ તેમને લીધેલા કેટલાક નિર્ણયોમાં વિવાદ ઉભો થયો હતો અને જમીન માલીકોએ આ મુદ્દે રજૂઆત પણ કરેલ આ તમામ મુદ્દો સરકારમાં રજૂ થતાં અંતે સરકારે આ ટીપી સ્કીમને આગળ ધપાવી મંજુર કરવાનો નિર્ણય લીધો છે. જેના લીધે પાંચ વર્ષ પહેલા તૈયાર કરાયેલી કોઠારિયા ટીપી સ્કીમ નં. 38 અને 39માં કેટલાક સુધારા કરી આ ટીપી સ્કીમને આખરી કરવા માટે સરકારે બન્ને ટીપી સ્કીમમાં એક એક ટીપીઓની નિમણુંક કરવાના આદેશ જારી કર્યા છે.
સરકારે કરેલા આદેશ પ્રમાણે બન્ને ટીપીના મુસદાની ફાળવણીઓ કરી જરૂરી સુનાવણીઓ કરીને આખરી ઓપ આપી મંજુર કરવામાં આવશે. મુસદા રૂપ નગરયોજના માટે સરકારના નિયમો પ્રમાણે સુનાવણી તેમજ જરૂરી તક આપવા માટે તંત્રને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. કોઠારિયાની બન્ને ટીપી સ્કીમ નંબર 38 અને 39 ફાયનલ થતાં મનપાને અર્બન ફોરેસ્ટ માટે વધારાની જમીન તેમજ અનેક પ્રોજેક્ટો માટેના અસંખ્ય પ્લોટ ઉપલબ્ધ થશે. સરકાર દ્વારા રસ્તા અને કપાત અંગે પણ જરૂરી ફેર વિચારણા સુનાવણી બાદ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
કોઠારિયા વિસ્તારની પાંચ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલ ટીપી સ્કીમ નં. 38 અને 39 મંજુર થવાની ગતિવિધિઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે અને ગોટાળાઓ પૂર્વે ટીપીઓએ કર્યાની ફરિયાદો ઉઠતા સરકારે બન્ને ટીપી સ્કીમનો અભ્યાસ કર્યો હતો. અને આ ટીપી સ્કીમોને મંજુરી આપવા માટે ફરી એક વખત જમીન માલિકો તેમજ અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને સાંભળવામાં આવે અને તેનો નિકાલ કરવામાં આવે તે માટે બે ટીપીઓની નિમણુંક કરવાના આદેશ કર્યા છે. જેના પગલે સંભવત એક બે માસમાં ટીપી સ્કીમને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
રોડ-રસ્તા અને કપાત અંગે ફેર વિચારણા થશે
શહેરમાં ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે અને મુસદો જાહેર થાય ત્યારે રોડ રસ્તા બાબતે જમીન માલીકો દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોય છે. વ્હાલા દવલાની નિતિ અપનાવી ટીપીઓ તેમજ અમુક રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા તેમની જમીનોને અનુરૂપ મુખ્ય માર્ગો પસંદ કરવામાં આવી ડ્રાફ્ટમાં છેડછાડ કરવામાં આવતી હોય છે. જેના લીધે કોઠારિયા ટીપી સ્કીમ 38 અને 39માં પણ તત્કાલીન ટીપીઓ દ્વારા સુચવવામાં આવેલા રોડ રસ્તાઓમાં ઘાલમેલ થઈ હોવાની જે તે વખતે ફરિયાદો ઉઠેલ જેના પગલે સરકારે આ બન્ને ટીપી સ્કીમમાં ટીપીઓની નિમણુંક કર્યા બાદ રોડ રસ્તા અને અન્ય કપાતો અંગે ફેર વિચારણા કરી સુનાવણી હાથ ધરી ફાઈનલ નિર્ણય લેવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.