મનપાના બોર્ડમાં વિપક્ષનો વાણી વિલાસ : જોકર કહેતા કમિશનરનો વોકઆઉ
વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ, ચાર અધિકારીને બઢતીનો ઠરાવ મંજૂર, સમાણા બ્રિજ મુદ્દે વિપક્ષ આકરા પાણીએ
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ચાર અધિકારીને બઢતી આપવા ની કમિશનરની દરખાસ્તમાં બે અધિકારી સામે વિપક્ષના રાહુલ બોરીચાએ વિરોધ નોંધાવ્યો હતો. આ સિવાય સર્વાનુમતે દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. જયારે સમાણા રોડ ઉપર બ્રીજ બનાવવા સામે પણ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. દરેડના ઉદ્યોગકારોને વ્યાજમાંથી આપવાની સત્તા પક્ષની માગણી પછી તમામને 2006 પહેલા ની બાકી રકમ માં વ્યાજ માફી આપવા નો નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે નવા બનાવાયેલા અટલ બિહારી વાજપેયી ભવનમાં મળી હતી. સભાની શરૃઆતમાં જ પત્રકારો માટેની ગેલેરી ઉપરના ભાગે બનાવાઈ હોવાથી અને ફોટોગ્રાફર/ વીડીયો ગ્રાફર મીડિયા પર્સનને ઉપર ગેલેરીમાં સ્થાન મેળવવા નું મેયરે જણાવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આખરે ફોટા-વીડીયો માટેના મીડિયા પર્સનની નિચેના સ્થળે જ બેઠક વ્યવસ્થા કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.
આ પછી ચાર અધિકારીઓ ચિફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મળ ને આસી. કમિશનર (ટેક્ષ), ઈ.ડી.પી. મેનેજમેન્ટ મુકેશ વરણવા ને આસી. કમિશનર (વહીવટ) ઈન્ચાર્જ ચિફ ઓડીટર કોમલબેન પટેલને ચિફ એડીટર અને નરેશ પટેલને કાર્યપાલક ઈજનેર (ડ્રેનેજ ) તરીકે બઢતી આપવાની કમિશનરની દરખાસ્ત અન્વયે વિપક્ષે ચર્ચામાં ભાગ લીધો હતો. આખરે વિપક્ષના રાહુલ બોરીચાએ બે દરખાસ્ત સામે વિરોધ કર્યો હતો. બાકી દરખાસ્તને સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. બોર્ડની શરૃઆત માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી સહિતના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સામાન્ય સભાની શરૃઆતમાં ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના આનંદ રાઠોડ એ જવાબ માંગ્યો હતો કે, મહાનગર પાલિકાની પોતાની સિકયોરીટી છે કે કેમ ? શા માટે પોલીસને સભાગૃહમાં અંદર બોલાવવામાં આવે છે.
આ પછી સમાણા માર્ગે રંગમતિ નદી ઉપર બ્રિજ બનાવવાની દરખાસ્તમાં વિપક્ષે ભારે હોબાળો મચાવી ચર્ચા કરી હતી. અલ્તાફ ખફી અને આ બ્રીજ સામે વિરોધ કર્યો હતો. તો અસ્લમ ખીલજીએ કહ્યુ હતુ કે, એક તરફ પાણી ભરાવવાની સમસ્યા સામે પાડતોડ કરવામાં આવે છે.
બીજી તરફ બ્રીજ નિર્માણ શા માટે ? કરોડો ની જમીન બિનખેતી થાય તેનું આ કારસ્તાન હોવાનું લાગે છે. અલ્તાફ ખફી અને જેનબબેન ખફીએ પણ આ બ્રીજ સામે વાંધો ઉઠાવ્યો હતો આખરે વિપક્ષના વિરોધ સાથે એજન્ડા મંજુર કરાયો હતો. જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના આનંદ રાઠોડે કમિશ્નરને સવાલ કર્યો કે આપ આઈએએસ અધિકારી પાસ થઈ ને બન્યા છો કે બઢતી થી ? આથી કમિશ્નર ડી.એન.મોદી નારાજ થયા હતા. અને પર્સનલ એટેક નહીં કરવાનું જણાવી સભા છોડીને ચાલ્યા ગયા હતા. કમિશ્નરના વોક આઉટથી બાકીના પણ તમામ અધિકારીઓ સભાગૃહ છોડી જતા રહેતા અધિકારી વગર બોર્ડ ચાલતું જોવા મળ્યું હતું. તેમાં પણ તેમણે સર્કસના જોકરનો દાખલો આનંદ રાઠોડે આપતા કમિશ્નરને માઠું લાગી ગયું હતું. અને મને જોકર કહ્યો તેમ કહીને તેઓ સભાગૃહ છોડી ગયા હતા.
મનપાની જનરલ બોર્ડની બેઠક પહેલા વિરોધ પક્ષના કોર્પોરેટરનો નવતર વિરોધ
જામનગર મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી, તે પહેલાં વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ બોર્ડની બહાર નવતર પ્રકારે વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં નવાગામ ઘેડ મા ડી.પી.કપાત હેઠળ સંખ્યાબંધ મકાનો તોડી પાડ્યા હોવાથી પોતે મકાનનો મુખવટો પહેરીને બોર્ડમાં આવ્યા હતા. તેઓને નવા મકાન આપવાની માંગણી સાથે વિરોધ દર્શાવ્યો હતો. પોતે મકાનનો મુખવટો પહેરી ને આવ્યા હતા, ત્યારે તેમના અન્ય એક સાથીદારને સરકારના જેસીબી નો ફોટો પહેરાવ્યો હતો, આ પ્રકારે ના નવતર વિરોધને લઈને કુતુહલ પ્રસર્યું હતું. રચનાબેન નંદાણીયાએ જે લોકોના ઘર કપાતના નામે તોડી પાડવામાં આવ્યા છે, તેઓને તાત્કાલિક અસરથી નવા મકાનો આપવાની ઉગ્ર માંગણી કરી છે.