ઓપરેશન બ્લ્યુ ડાયમંડ: રાજકોટના ઇતિહાસની સૌથી મોટી રેડ
- 43 લોકેશન્સ પર અધિકારીઓને ત્રણ દિવસ સુધી દોડાવ્યા બાદ મુનિમના ઘરેથી બધા કાચા- ચીઠ્ઠાનો હિસાબ મળી આવ્યો
- RK ગ્રુપ પર આઇ.ટી. રેડની ઇન્સાઇટ સ્ટોરી-ભાગ-1
ઓપરેશન બ્લ્યુ ડાયમન્ડએ કોઇ સૈન્ય કાર્યવાહીનું કોડનેમ નથી પણ રાજકોટના ઇતિહાસમાં થયેલી સૌથી મોટી ઇન્કમટેકસની રેડનું કોડનેમ છે. ઇન્કમટેકસ દ્વારા ખાસ કોડનેમ ઓપરેશન બ્લ્યુ ડાયમન્ડ હેઠળ કેવી રીતે અબજો રૂપિયાનું કાળુ નાણું શોધી કાઢયું તેની ઝીણવટભરી વિગતો ગુજરાત મિરર દ્વારા અહીં રજુ કરવામાં આવી છે.
વર્ષ 2021માં શહેરના જાણીતા બીલ્ડર આર.કે. ગ્રુપ પર પડેલા ઈન્કમટેક્સના દરોડાની સ્ફોટક વિગતો ગુજરાત મિરરને જાણવા મળી છે. આ દરોડાને ઓપરેશન બ્લુ ડાયમન્ડ નામ આપવામાં આવ્યું હતું અને આર.કે ગ્રુપના જ 25 વર્ષ જૂના મુનીમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સમક્ષ વટાણા વેરી દેતા આર.કે. ગ્રુપ સહિત તેના ચાર ભાગીદાર ગ્રુપ પણ ઝપટે ચડી ગયા હતાં. અને આર.કે. ગ્રુપ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષરીતે સંકળાયેલા બિલ્ડરો પાસેથી ફ્લેટ ખરીદનારા મધ્યમવર્ગીય લોકોને પણ ઈન્કમટેક્સની વર્ષ 2018-19ની નોટીસના ચુકવણાના ઓર્ડર માર્ચ મહિનામાં જ કાઢી નાખવામાં આવ્યા છે. ગુજરાત મિરરને મળેલી એક્સક્લુઝીવ માહિતીમાં અનેક ઘટ્સફોટો થયા છે જેમાં બે એકાઉન્ટીંગ સોફ્ટવેરથી લઈને જૂની તારીખમાં ટ્રાન્જેક્શન બતાવવાના પેતરાઓ સામે આવ્યા છે.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 24-8-2021ના રોજ ઓપરેશન બ્લુડાયમંડ નામ હેઠળ આરકે ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં આર.કે. ગ્રુપ સાથે સંકળાયેલા બીજા ચાર ગ્રુપ પર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 43 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ગ્રુપ સાથે સંકળાયેલા સગાવ્હાલાઓ, બીઝનેસ પાર્ટનર અને કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો. ગ્રુપના મુખ્ય વ્યક્તિ સર્વાનંદભાઈ સોનવાણી દ્વારા નજીકના ફેમેલી મેમ્બર્સ અને મુખ્ય કર્મચારીઓ દ્વારા સમગ્ર બિઝનેસ ઓપરેશન પાર પાડવામાં આવતું હતું. સમગ્ર ગ્રુપના બીઝનેસને બે અલગ અલગ સોફ્ટવેર મીરેકલ અને ટેલીમાં એકાઉન્ટીંગ કરવામાં આવતુ ંહતું. જેમાં ટેલી સોફ્ટવેરમાં ગ્રુપ દ્વારા વાઈટના પેમેન્ટ અને ખર્ચ સહિતની એન્ટ્રીઓની નોંધ કરવામાં આવતી હતી. જ્યારે રોકડાના ટ્રાન્જેક્શનની મીરેકલ સોફ્ટવેરમાં નોંધ કરવામાં આવતી હતી. કંપનીના જ એક 25 વર્ષ જૂના મુનીમની ઈન્કમટેક્સ દ્વારા સઘન પુછપરછ કરતા તેણે તપાસમાં આ બે અલગ અલગ સોફ્ટવેરમાં બધો નાણાકીય વહીવટ રેકોર્ડ કરાતો હોવાનો ઘટસ્ફોટ કરી દીધો હતો. આ અંગેની વિગતો હવે આવતા ભાગમાં પ્રસિધ્ધ થશે.
સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં પણ કારીગરી, R.K. Primeનો કોડવર્ડ RKP
મિરેકલ સોફટવેરમાં રોકડાના ખર્ચાઓ, વેચાણ, જમીન ખરીદી સહિતની એન્ટ્રીઓ કરવા માટે આખુ પ્રોજેકટ નામ લખવાની જગ્યાએ કોડવર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે પ્રોજેકટનું નામ R.K. Prime હોય તો તેને લગતી એન્ટ્રી કરવા માટે RKP કોડવર્ડ વપરાતો હતો. R.K.World એવા પ્રોજેકટના નામ માટે RKW એવો કોડવર્ડ વપરાતો હતો. પ્રોજેકટના નામમાંથી શબ્દોના પહેલા અક્ષરને લઇને કોડવર્ડ તૈયાર કરાતા હોવાનું ઇન્કમટેકસ તપાસમાં બહાર આવ્યું હતું.