2024ના ચોમાસું સત્રમાં વિધાનસભામાં માત્ર 31 ટકા હાજરી
ત્રણ દિવસના સત્રમાં ફકત 57 ધારાસભ્યો દેખાયા અને 73 ટકા ધારાસભ્યોએ માત્ર એક વખત કાર્યવાહીમાં ભાગ લીધો
2024માં 21 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી ત્રણ દિવસીય ચોમાસા સત્રની કાર્યવાહીમાં ગુજરાત વિધાનસભાના કુલ ધારાસભ્યોમાંથી એક તૃતીયાંશ કરતા પણ ઓછા ધારાસભ્યોએ ભાગ લીધો હતો, એમ વિધાનસભા સચિવાલયના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર ગુરુવારે પોસ્ટ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે 182 સભ્યોના ગૃહમાં 57 ધારાસભ્યોએ ત્રણ દિવસીય સત્ર દરમિયાન વિવિધ કાર્યવાહીમાં ભાગ લીધો હતો. આ કાર્યવાહીમાં બિલો પર ચર્ચા, રાજ્યપાલના અભિભાષણના જવાબમાં ચર્ચા, સરકારી ઠરાવો અને વિધાનસભાની સમિતિઓ દ્વારા રજૂ કરાયેલા અહેવાલોનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે કાર્યવાહીમાં ભાગ લેનારા 73.68% ધારાસભ્યોએ માત્ર એક જ યોગદાન આપ્યું હતું.
અહેવાલ દર્શાવે છે કે 57 ધારાસભ્યોમાંથી 42 ધારાસભ્યોએ કાર્યવાહીમાં ફક્ત એક જ વાર ભાગ લીધો હતો, આઠ ધારાસભ્યોએ બે વાર ભાગ લીધો હતો, ત્રણ ધારાસભ્યોએ ત્રણ વાર ભાગ લીધો હતો, બે ધારાસભ્યોએ ચાર વાર ભાગ લીધો હતો અને બે ધારાસભ્યોએ વિધાનસભાની કાર્યવાહીમાં પાંચ વાર ભાગ લીધો હતો. પાંચ વખત વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેનારા ધારાસભ્યોમાં વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને વિધાનસભામાં આપના ધારાસભ્ય અને આપના વ્હીપ ઉમેશ મકવાણાનો સમાવેશ થાય છે. આ અઠવાડિયાની શરૂૂઆતમાં, મકવાણાએ ગુજરાત વિધાનસભામાં આપના વ્હીપ પદેથી રાજીનામું આપ્યું હતું. સત્ર દરમિયાન ચાર વખત વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેનારા બે ધારાસભ્યોમાં મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય છે. 182 સભ્યોની વિધાનસભામાં 162 ધારાસભ્યો સાથે ભાજપને ભારે બહુમતી છે. કોંગ્રેસ પાસે 12, આપ પાસે પાંચ, સપા પાસે એક ધારાસભ્ય છે અને બે અપક્ષ ધારાસભ્યો છે.