કોર્પોરેશનના જુનિયર કલાર્ક સાથે રૂા.2.98 લાખની ઓનલાઈન ઠગાઈ
- ઈન્સ્ટાગ્રામમાં બોગસ એકાઉન્ટ બનાવી ડ્રીમ-11ની લોભામણી લાલચ આપી નાણા પડાવ્યા : સાયબર ક્રાઈમમાં ફરિયાદ
શહેરમાં વિમલનગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં લીગલ શાખામાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં યુવાન સાથે રૂા.2.98 લાખની ઓનલાઈન છેતરપીંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે. ઈન્સ્ટાગ્રામમાં બોગસ એકાઉન્ટ બનાવી ડ્રીમ ઈલેવનની લોભામણી જાહેરાત આપી તેમાં ટીમ બનાવી પૈસા કમાવવાનું કહી બાદમાં કટકે કટકે રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, વિમલનગર મેઈન રોડ પર મંગલ પાંડે ટાઉનશીપમાં રહેતા ચિરાગ નાનજીભાઈ ખીમસુરીયા (ઉ.વ 30) નામના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ કોર્પોરેશનમાં લીગલ શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે. ગત તારીખ 14/10 ના રોજ સાંજના સમયે તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોતા હતા ત્યારે રાધેશ્યામ જીકેબી નામના એકાઉન્ટમાં ડ્રીમ ઇવેવનની જાહેરાત જોઈ હતી જેમાં આપેલી લિંક પર ક્લિક કરતા ડાયરેક્ટ વોટસએપ ચેટ શરૂૂ થયું હતું જેમાં 350 રૂૂપિયા પ્રથમ માસ માટે મેમ્બરશીપના લીધા હતા.બાદમાં અમુક રકમ જીતવા ટીમ બનાવવા રૂૂપિયા 999 પણ આ મોબાઈલ નંબરમાં યુવાને પેટીએમથી ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વોટસએપમાં મેસેજ આવ્યો હતો કે ડ્રીમ ઇલેવન કંપની દ્વારા ટીમ સિલેક્ટ થયેલ છે તેનો સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો હતો. બાદમાં રાત્રિના દસેક વાગ્યે ફરી મેસેજ આવ્યો હતો જેમાં ડ્રીમ ઇલેવનમાં રૂા.2.75 લાખ જીત્યા હોવાનું મેસેજમાં જણાવ્યું હતું.
બાદમાં યુવાને આ રકમ વિડ્રો કરવા માટે આવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા પ્રથમ રૂૂપિયા 7,100 ભરવાનું કહ્યું હતું અને તેમાં રૂા.100 કપાશે અને 7000 રિફંડ મળી જશે તેવી વાત કરી હતી જેથી યુવાને આ રકમ પેટીએમ કરી હતી બાદમાં કુલ રકમના 10 ટકા એટલે કે રૂપિયા 16,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદ રૂૂપિયા 41,500 યુવાન પાસેથી ચેકથી જમા કરાવ્યા હતા. ત્યારબાદ રૂા.97,000 ગુગલ પે અને રૂૂપિયા 27,500 ગુગલ પે મારફત ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ કુલ રૂૂપિયા 2.98 લાખ યુવાન પાસેથી મેળવી લઈ આ રકમ પરત નહીં આવતા યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.