હાથીખાનામાં એક પુરુષ કોલેરા પોઝિટિવ, કુલ 10 કેસ
શેરી નંબર ત્રણની આસપાસનો બે કિ.મી.નો વિસ્તાર કોલેરાભયગ્રસ્ત જાહેર
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. થોડા થોડા સમયે કોલેરાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત માસ સુધીમાં અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 9 પોઝેટીવ કેસ આવ્યા બાદ સોમવારે રામનાથપરા વિસ્તારમાં હાથીખાના શેરી નં. 3 માં કોલેરાનો શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગે બ્લડ સેમ્પલ લઈ લેબમાં મોકલી આવ્યું હતું. જેનો રિપોર્ટ આજે પોઝીટીવ આવતા કલેક્ટર દ્વારા રામનાથપરાના બે કિલોમીટર વિસ્તારને કોલેરાભય ગ્રસ્ત જાહેર કર્યો છે.
જ્યારે આરોગ્ય વિભાગે હાથીખાના શેરી નં. 3 અને આજુબાજુની શેરીઓ તેમજ વિસ્તારના ઘરોમાં ચકાસણી હાથ ધરી શંકાસ્પદ લોકોના બ્લડ સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા છે.ચોમાસા દરમિયાન ડહોળા પાણીના કારણે પાણી જન્ય રોગચાળો દર વર્ષે વકરતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળામાં જ કોલેરાના કેસ શરૂ થતા આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર કામગીરી વધુ ઝડપી બનાવી હતી. ત્યાર બાદ તહેવારોમાં સતત વરસાદ વરસતા પાણી જન્ય રોગચાળાને વધુ વેગ મળ્યો હોય તેમ ઝાળા-ઉલ્ટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજરોજ રામનાથપરાની બાજુમાં હાથીખાના શેરી નં. 3માં એક 44 વર્ષીય પુરુષનો રિપોર્ટ કોલેરા પોઝીટીવ સોમવારના રોજ આવતા આરોગ્ય વિભાગે ત્વરીત આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરી છે. જ્યારે રામનાથપરા અને હાથિખાનાના બે કિલોમીટરના વિસ્તારને કલેક્ટર દ્વારા કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાને અંતર્ગત ઠંડાપીણા- ગોલા, ગુલ્ફીનાવેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીના સેમ્પલ તેમજ 250થી વધુ ઘરોમાં ચકાસણી કરી બોરના પાણીના સેમ્પલ વઇ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા છે.
આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા તથા સ્વસ્છતા રાખવા જમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા લોકજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવેલ છે.સર્વે દરમ્યાન પીવાના પાણીના પત્રોની સફાઈ કરવા માટે સુચના આપવામાં આવેલ છે. વિસ્તારમાં મોબાઈલ મેડિકલ વાન દ્વારા દૈનિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમજ સાફ-સફાઈ માટે જઠખ વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવેલ છે.