રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર પીપળીયા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રકચાલકનું દબાઇ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સિક્સલેનનું કામ ચાલુ હોય, અકસ્માતના બનાવના પગલે ટ્રાફિકજામ થવા પામ્યો હતો.
સમગ્ર બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ હતી. જ્યાં ટ્રકચાલકના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
પીપળીયા નજીક સાંજે સાડા પાંચના સુમારે રાજકોટથી મગફળી ભરી ગોંડલ આવી રહેલા GJ03AT - 4500 નંબરના ટ્રક અને ટાટા 407 વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળીની ગુણો ભરેલો ટ્રક પલટી મારી જવા પામ્યો હતો, જેમાં ટ્રક ડ્રાઈવર ગોંડલનાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતા ભુપતભાઇ ઉર્ફે નિલેશભાઈ પોપટભાઇ ચૌહાણ (ઉં.વ.47)નું ઘટનાસ્થળે ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. તે ક્લિયર કરાવવા પોલીસને પરસેવો વળી ગયો હતો.