ગરબી જોઇને ટ્રિપલ સવારીમાં આવતા મિત્રોનું બાઇક સ્લિપ થતા એકનું મોત
ચોટીલાના નવાગામમાં રહેતા બે કૌટુંબિક ભાઇ સહિત ત્રણ મિત્રો સુરજદેવળ ગામે ગરબી જોઇને ત્રિપલ સવારીમાં બાઇક ઉપર પરત આવતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવોનોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના નવાગામમાં રહેતા રાજુ ધીરૂભાઇ વાઘરોડિયા (ઉ.વ.18), તેનો કૌટુંબિક ભાઇ અજય રણછોડભાઇ વાઘરોડિયા અને મિત્ર વિશાલ પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.17) ત્રણેય ગઇકાલે રાત્રે બાઇક લઇ સુરજદેવળ ગામે ગરબી જોવા ગયા હતા. જ્યાંથી મોડી રાત્રે ગરબી જોઇને ત્રિપલ સવારી બાઇક ઉપર પરત નવાગામ આવી રહ્યા હતા. ત્યારે સુુરજદેવળ રોડ પર બાઇક સ્લીપ ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય યુવાનનો ઇજા થતા સારવાર માટે પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ગંભીર રીતે ઘવાયેલા રાજુ ધીરુભાઇ વાઘરોડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બંનેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કર જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ નવ બહેનમાં નાનો અને મજુરી કામ કરતો હતો. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.