રાજકોટની પાંચ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજમાં એક દી’નું વેઈટિંગ
રાજકોટ શહેર જિલ્લામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ જેવી સુવિધા મળતાં જમીનમાં ભારે તેજી જોવા મળી રહી છે જેના કારણે રાજકોટ જિલ્લાની આઠ જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી પાંચ સબ રજિસ્ટ્રાર કચેરીમાં માર્ચ એન્ડીંગના કારણે દસ્તાવેજોમાં એક એક દિવસનું વેઈટીંગ જોવા મળી રહ્યું છે. લોકો ઓનલાઈન ટોકન લેવા છતાં દસ્તાવેજનો વારો બીજા દિવસે આવે છે. રાજકોટ શહેરમાં એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, સ્માર્ટ સિટી જેવા પ્રોજેકટોના કારણે રિયલ એસ્ટેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટના મોરબી રોડ, કોઠારીયા રોડ પર દર મહિને હજારો દસ્તાવેજો નોંધાય છે. આમ છતાં લોકોને દસ્તાવેજો માટે વેઈટીંગ જોવા મળી રહ્યું છે.
માર્ચ એન્ડીંગના કારણે રાજકોટ શહેરમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણીમાં મોટાપાયે વેઈટીંગ જોવા મળતાં રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેઈટીંગ હોય તેવી સબ રજિસ્ટ્રાર કચેરીઓની જાહેર રજાઓ રદ કરી નાખવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કચેરીના સમયમાં પણ ફેરફાર કરીને સવારે 9 વાગ્યાથી ઓફિસ સ્ટાફે હાજર થઈ જવું અને સાંજ સુધીમાં રોજેરોજનું દસ્તાવેજની નોંધણીનું વેઈટીંગનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
આમ છતાં રાજકોટ શહેરની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-2, રૈયા સબ રજિસ્ટ્રાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-5, મવડી સબ રજિસ્ટ્રાર કચેરી અને ગોંડલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ માટે એક એક દિવસનું વેઈટીંગ જોવા મળી રહ્યું છે. આ પાંચેય સબ રજિસ્ટ્રાર કચેરીમાં દરરોજ 50 થી વધુ દસ્તાવેજો માટે ઓનલાઈન બુકીંગ થાય છે પરંતુ માત્ર 35 જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ શકે છે જેના કારણે 15 જેટલા અરજદારોનો બીજે દિવસે વારો આવે છે.