કોઠારિયા રોડ પર ત્રણ બહેનના એકના એક ભાઇનું વીજશોકથી મોત
ગેરેજમાં વાયરનું ફીંડલું વાળતી વખતે પિનનો સાંધો આવતા હાથ અડી ગયો
શહેરમાં વિજકરંટથી મૃત્યુની વધુ એક ઘટના બની છે.બે દિવસ પહેલા નાના મવા રોડ વિસ્તારમાં વરસતા વરસાદમાં ચાલુ વાહને યુવતિને કરંટ લાગતાં મૃત્યુ થયું હતું.દરમિયાન જંગલેશ્વરમાં રહેતાં અને કોઠારીયા રોડ પર ગેરેજ ધરાવતો યુવાન સાંજે ગેરેજ ખાતે હતો ત્યારે તેના માટે વિજકરંટ જીવલેણ સાબિત થયો હતો.તેમના મૃત્યુથી પરિવાર માં શોક છવાયો છે. જાણવા મળ્યા મુજબ,જંગલેશ્વર પાસે રાધાકૃષ્ણનગર-17માં રહેતો યોગેશભાઇ રમેશભાઇ ભાલારા (ઉ.વ.25) સાંજે કોઠારીયા રોડ સેલિબ્રેશન પાર્ટી પ્લોટ પાછળ શ્યામ કિરણ સોસાયટીમાં આવેલા પોતાના ગેરેજ-સર્વિસ સ્ટેશન ખાતે હતો ત્યારે ઇલેક્ટ્રીક વાયરનું ફીંડલુ વાળતી વખતે વચ્ચે પીનનો સાંધો આવતો હોઇ તેમાં હાથ અડી જતાં જોરદાર કરંટ લાગતાં તે બેભાન થઇ ઢળી પડયો હતો.ગેરેજ ખાતે હાજર કારીગરોએ તુરત પરિવારજનોને જાણ કરી હતી અને યોગેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તેનું મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર યુવાન માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ અને ત્રણ બહેનનો એક જ ભાઇ હતો. તેના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. હાલમાં તેના પત્નિને સારા દિવસો જઇ રહ્યા છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ,તૌફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. એચ. આર. સોલંકીએ જરૂૂરી કાર્યવાહી કરી હતી.