બેંગલોરના વેપારીએ ચાંદીના ઘરેણાંની ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા દોઢ વર્ષની જેલ
બે માસમાં રાજકોટના વેપારીને 6.66 લાખનું વળતર ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ
શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચાંદીના વ્યવસાય કરતા વેપારી પાસેથી ખરીદ કરેલા ચાંદીના ઘરેણાની રકમ ચૂકવવા આપેલા રૂૂ.6.66 લાખના ચેક રિટર્ન કેસમાં અદાલતે બેંગલોરના વેપારીને દોઢ વર્ષની સજા અને રૂૂ.6.66 લાખનું વળતર બે માસમાં ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના કુવાડવા રોડ પર રહેતા અને શ્રી હરી સિલ્વર નામે ચાંદીના ઘરેણા બનાવવાનો વ્યવસાય કરતા જીગ્નેશ પરષોત્તમભાઈ ભોગાયતા નામના વેપારી પાસેથી બેંગલોર સ્થિત રિદ્ધિ સિદ્ધિ સિલ્વરના વ્યવસાય કરતા મનીષ ગાંધી નામના વેપારીએ ચાંદીના ઘરેણાંની ખરીદી કરી હતી. જે રકમ ચૂકવવા આપેલો રૂૂ.6.66 લાખનો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા જે અંગે કાયદાકીય જોગવાઈ પ્રમાણે નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ બેંગ્લોરના વેપારી આરોપીને દોઢ વર્ષની સજા અને ચેકની રકમ મુજબનું વળતર બે માસમા ફરીયાદીને ચુકવવામાં કસુર ઠરે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જય પીઠવા, મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા અને જસ્મીન દુધાગરા રોકાયા હતા.