દ્વારકા નજીક ખાનગી બસ પલટી જતા દોઢ ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત
01:42 PM Jan 04, 2025 IST | Bhumika
ગુજરાત મિરર, જામ ખંભાળિયા, તા. 4- દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી જતા તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર કુરંગા ચોકડી નજીક આવેલા એક સી.એન.જી. પંપની બાજુમાંથી આજરોજ સવારે આશરે સાડા નવેક વાગ્યાના સમયે પસાર થઈ રહેલી અમદાવાદ પાસિંગની એક ખાનગી લકઝરી બસ કોઈ કારણોસર રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા મુસાફરો પૈકી આશરે 15 થી 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ સાથે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના આ બનાવથી થોડો સમય ભય સાથે દોડધામનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. (તસવીર: કુંજન રાડિયા)
Advertisement
Advertisement