સૌરાષ્ટ્રભરમાં રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, બ્રાહ્મણોએ જનોઈ બદલી
બહેનોએ ભાઈઓના દીધાર્યુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી : ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત ધારણ કરી
શ્રાવણ માસના સોમવાર અને પૂનમના દિવસે બહેનોનો અતિ પ્રિય તહેવાર એવા રક્ષાબંધનના દિવસે બહેનોએ હોશે હોશે પોતાના વ્હાલાસોથા વિરાના કાંડે રાખડી બાંધી પ્રભુ સમક્ષ ભાઈ માટે દીર્ધાયુ અને સ્વસ્થ જીવન સાથે નીતિમતા રૂપી બરકત અને પરિવારમાં પ્રેમભવની પ્રાર્થના કરેલ ઉપરાંત આજના પવિત્ર દિવસે બ્રહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી.
હળવદ
ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી તે વીરોના પાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ આવે છે અને છેલ્લા 8 વર્ષોથી દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દિકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિષેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળીયા શા માટે રાખવામાં આવતા હતા તે દિકરીઓ સહિતનાઓને સમજાય તે માટે પાળીયાને રાખડી બાંધીનો રક્ષા બંધનની ઉજવણી કરે છે ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નં 10 અને આર.પી.પી ગર્લ્સ માદ્યમિક શાળાની 140થી વધુ બાળાઓ 400થી વધુ પાળીયાઓને રાખડી બાંધે છે.
વાંકાનેર
વાંકાનેર ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મહેતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનના પાવન તહેવારની ઉજવણીના ભાગરૂપે દેશની સરહદ પર તથા દેશની અંદર સામાજિક સુરક્ષા જાળવનાર સૈનિકો તથાખાસ કરીને તમામ વિભાગોમાં મહિલા અધિકારીઓની રક્ષા માટે પ્રાર્થના કરી પ્રતિક રૂપે આમંત્રિત મહેમાનોને રાખડી બાંધી દરેક વિદ્યાર્થીઓએ રાખડી, શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતાં. આ અવસરના મુખ્ય મહેમાન તરીકે ઈન્ચાર્જ મામલતદાર પટેલ, પી.એસ.આઈ. કાનાણી મેડમ, મોરબી જિલ્લા સમાજ અધિકારી રંજનબેન મકવાણા, મોરબી સિનિયર સિટિઝન હેલ્પ લાઈનના અધિકારી રાજદીપભાઈ, વાંકાનેર મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી મહિલા કાઉન્સિલર (પીબીએસસી) તેજલબા ગઢવી, હાલ બેંગ્લોરમાં 29 વર્ષથી સુબેદાર તરીકે ફરજ બજાવી રહેલા વાંકાનેરના વતની દિનેશભાઈ બાંભવા, વાંકાનેરની મહિાલઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો કરતા દમયંતિબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રાંચી
ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે યાત્રાધામ પ્રાચી માં શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી.બહોળી સંખ્યા માં ભુદેવોએ જનોઈ બદલી.શ્રવણ નક્ષત્ર નાં શુભ મહુર્તમાં આજે બળેવ પ્રસંગે જનોઈ બદલવામાં આવી. જનોઈ બદલ્યા બાદ રક્ષાબંધન પર્વ ઉજવાશે. પ્રાચી તીર્થ આજે મોક્ષ પીપળા સાનિધ્યમાં પ્રાચી તીર્થ ના ભૂદેવો દ્વારા સમૂહ જળ સન્માન કર્યુ હતું.
મોરબી સબજેલ
મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.જેમાં જેલમાં બંધ કેદીઓ ની બહેનો તેમના હક થી વંચિત ન રહી જાય તે માટે જેલના નીતિ નિયમોને ધ્યાન માં રાખીને ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે.તેમ મોરબી સબ જેલ ખાતે પણ આજે આ ઉજવણી કરવા આવી હતી.જેમાં બહેનો પોતાના જેલ માં બંધ ભાઈને રાખડી બાંધીને ચોધાર આંસુ એ રડી પડી હતી.અને હ્રદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.તેમજ બહેનો એ પોતાના ભાઈને જેલ માંથી જલ્દી મુક્ત થાય અને આગામી સમયમાં સારા નાગરિક બની ને બહાર આવે તેવા આશીર્વાદ આપ્યા હતા.તેમજ તમામ કેદીઓ અને રાખડી બાંધવા આવનાર બહેનોએ મોરબી સબ જેલના સ્ટાફ નો આભાર માન્યો હતો.
સિંધાજ
હિન્દુ સંસ્કૃતિ ની પરંપરા પ્રમાણે બળેવ એટલે કે રક્ષા બંધન નાં પર્વ ઉપર દર વર્ષે ની જેમ કોડીનાર તાલુકાના સિંધાજ ગામે બલરામ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પરંપરા પ્રમાણે ગામ નાં ચોકમાં હળ નું પૂજન કરવામાં આવેલ ત્યાર બાદ ચાર નાના ભૂલકાઓ ને જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરવો નામ આપી પાણી ભરેલા મોરયા થી પ્રદિક્ષણા કરી આવતા વર્ષના ચોમાસા નો વરતારો કાઢવામાં આવેલ ત્યાર બાદ ગામથી ત્રણ કિલોમીટર દૂર ફાચરયા ફાટક થી દોડ ની હરીફાઈ કરવામાં આવેલ જેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ને હળ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ જેમાં તથા બીજા ક્રમે અને ત્રીજા વિજેતાઓ ને સર્ટીફીકેટ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવેલ આ તકે તાલુકા પંચાયત કારોબારી સમિતિ નાં ચેરમેન સુનિલભાઈ રાઠોડ ભરતભાઈ ગોહિલ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ નું સંચાલન કિશનભાઇ જાદવ દ્વારા કરવામાં આવેલ.
આમોદ્રા
ઉનાનાં આમોદ્રા ગામે આવેલ શ્રી ખોડિયાર આશ્રમમાં છેલ્લા 22 વર્ષની પરંપરા મુજબ ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા ભરનાં સેંકડો ભુદેવ જનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી રમેશભાઈ દીક્ષિત, મુકેશભાઈ જોશી દ્વારા ખોડિયાર આશ્રમ આમોદ્રાના મુકસેવક હસુદાદાના યજમાન પદે વેદોક્ત વિધિ પૂર્વક નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવેલ.
ઓખા
ઓખા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમુદ્ર કિનારે દેહ શુદ્ધિ સ્નાન કરી બ્રહ્મસમાજ ની વાડીમાં સમૂહ જનોઈ બદલવાનો પ્રસંગ ઉજવ્યો હતો. આ પ્રસંગે તમામ ભૂદેવ પરિવારો માટે આયોજકોએ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરેલ હતું.
ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેને ભાઈની રક્ષા કાજે હેતથી ભાઈના કાંડે રાખડી બાંધી હતી.
વેરાવળ
વેરાવળ સીટી પોલીસની શી-ટીમે પવિત્ર રક્ષાબંધનનાં તહેવાર સબબ નીરાધારનો આધાર આશ્રમમાં રહેતા નીરાધાર પ્રભુજીઓને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરેલ હતી. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા શીટીમે શહેરમાં વયોવૃધ્ધ સીનિયર સીટીઝનો તથા નીરાધાર લોકોને મળી તેમની મદદરૂૂપ થવા અવાર નવાર સુચના કરવામાં આવેલ હતી.