યુનિ.રોડ પર રહેતા વૃદ્ધને મારકૂટ કરી પુત્ર-પુત્રવધૂએ કાઢી મુક્યા; કલેકટરને રજૂઆત
પેરેન્ટ્સ મેન્ટેનન્સ એકટ હેઠળ પ્રાંત અધિકારીને કેસ ચલાવી વૃદ્ધને ન્યાય અપાવવા આદેશ
રાજકોટ શહેર જિલ્લામાં વયોવૃધ્ધ માતા પિતાની મિલકત માટે ઘરમાંથી કાઢી મુકવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા વયોવૃધ્ધને તેમના માલિકીના મકાનમાંથી પુત્ર અને પુત્રવધૂએ મારકુટ કરી કાઢી મુકતાં ન્યાય મેળવવા વૃધ્ધે જિલ્લા કલેકટર સમક્ષ ચોધાર આસુએ રજૂઆત કરતાં પ્રાંત અધિકારીને તાકીદે કેસ ચલાવી વૃધ્ધને ન્યાય અપાવવા આદેશ આપવામાં આવ્યો છે.
આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા જગદીશભાઈ છગનભાઈ પાડલીયા આજે જિલ્લા કલેકટર સમક્ષ પોતાની દુખભરી દાસ્તાન રજૂ કરી હતી. રજૂઆતમાં અરજદારે જણાવ્યું હતું કે, પોતાના સંતાનમાં એક દિકરો છે અને પુત્ર અને પુત્રવધૂ સાથે પોતાની માલિકીના મકાનમાં રહેતાં હતાં. થોડા સમય પહેલા પત્નીને કેન્સર ડીટેકટ થતાં તેની સારવાર માટે લાખો રૂપિયાની બચત વેડફાઈ ગઈ હતી. પરંતુ પત્નીને બચાવી શકયા ન હતાં.
ત્યારબાદ પુત્ર અને પુત્રવધૂએ વયોવૃધ્ધની માલિકીનું મકાન પચાવી પાડવા માટે છેલ્લા છ માસથી અવારનવાર મારકુટ કરી ઘરેથી કાઢી મુકતા હોવાનું જણાવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી રખડુ જીવન વિતાવતા વૃધ્ધે અગાઉ પણ આ બાબતે બે વખત રજૂઆત કરી હતી. તંત્ર સમક્ષ રજૂઆત કરે ત્યારે પુત્ર અને પુત્રવધૂ તેમને સમાધાન કરી ઘરે લઈ જતાં હતાં અને ફરી તેમના પર સિતમ ગુજારતા હતાં.
વયોવૃધ્ધની રજૂઆત સાંભળીને જિલ્લા કલેકટર દ્વારા પેરેન્ટસ મેન્ટેનન્સ એકટ હેઠળ પ્રાંત અધિકારીને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.