લાલપુર નજીક વૃદ્ધાને ઇકો કારના ચાલકે કચડી નાખ્યા
કારચાલક જ હોસ્પિટલે લઇ ગયો પણ જીવ બચાવી શકયો નહીં
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા એક વૃદ્ધ મહિલા ને ઇકો કારના ચાલકે હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભી ઇજા થવાથી તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. લાલપુર પોલીસે ઇકો કાર ચાલક સામે ગુનો નોંધી કાર કબજે કરી લીધી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહીને ખેત મજૂરી કામ સાથે જોડાયેલા દિતાબેન ભગડાભાઈ હટીલા આદિવાસી (ઉમર વર્ષ 65) કે જેઓ ગઈકાલે પોતાના વતનમાં જવા માટે લાલપુરના મેંમાણાં ગામના પાટીયા પાસે વાહન મેળવવા માટે પગપાળા જઈ રહ્યા હતા.
જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. -23 સી.ઇ.1998 નંબરની ઇકો કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ ઇકો કાર ચાલકે નીચે ઉતરીને ઇજાગ્રસ્ત વૃદ્ધિ મહિલા ને પોતાની કારમાજ સારવાર અર્થે લાલપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તેઓનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના જમાઈ લાલુભાઇ કટારીયા એ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે તેઓની ફરિયાદના આધારે ઈકોકારના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને કાર કબજે કરી લીધી છે. તેમજ વૃદ્ધ મહિલાના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજા દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.