વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદાર વૃધ્ધનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
8 લાખના 24 લાખ અને 5 લાખના 10 લાખ ચૂકવ્યા છતા પઠાણી ઉઘરાણી કરતા’તા : અગાઉ પુત્રએ પણ આપઘાતનો પ્રયાસ કરી પાંચ વ્યાજખોર સામે અરજી કરી છે
શહેરમાં વ્યાજખોરો સામેની પોલીસની ઝૂંબેશ ઠંડી પડી જતાં વ્યાજના વરુઓએ ફરી માથુ ઉચકયુ હોય તેમ અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા લોકો આપઘાત કે આપઘાતના પ્રયાસ કરતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અટીકા વિસ્તારમાં કારખાનુ ધરાવતા વૃધ્ધે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ આનંદ નગર પાસે સાધના સોસાયટી શેરી નં.2માં રહેતા અને અટીકા વિસ્તારમાં વિરાણી અધાટમાં દર્શન મેન્યોફેક્ચર નામનુ ફેબ્રિકેશનનુ કારખાનુ ધરાવતા ગીરીશભાઇ મનસુખભાઇ પીત્રોડા (ઉ.વ.66)નામના વૃધ્ધે આજે સવારે પોતાના કારખાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.પ્રથામિક તપાસમાં તેમણે વર્ષ 2020માં ચિરાગ પટેલ પાસેથી 5% વ્યાજે રૂા.8 લાખ લીધા હતા.
જેના રૂા.24 લાખ ચૂકવી દેવા છતા પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી તેણે નાણા ચૂકવવા આરોપી મહેશ ગઢવી પાસેથી રૂા.5 લાખ લીધા હતા. જેના દર 10 દિવસે 10% વ્યાજ ચૂકવતા હતા અને આ 5 લાખના રૂપિયા 15 લાખ ચૂકવી દેવા છતા વ્યાજખોરો હેરાન કરતા હોવાથી તેમણે આ પગલુ ભરી લીધુ હતુંવ્યાજખોરોના ત્રાસથી ગત તા.4/11ના રોજ ગીરીશભાઇના પુત્ર જયેશભાઇએ પણ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેમણે આ અંગે પાંચ વ્ખાજખોરો સામે ગુનો નોંધવા ભક્તિનગર પીઆઇને અરજી પણ કરી હતી. પરંતુ કોઇ પગલા ન લેવાતા વ્યાજખોરો હજૂ હેરાન કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.