બટરમાં તેલની ઘાલમેલ, આઇસક્રીમમાંથી ફેટ ગાયબ: 4 નમૂના ફેલ
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 11ને લાઇસન્સ અંગે નોટિસ, 19 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરાઇ
મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા અલગ-અલગ સ્થળેથી લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના નમૂનાઓનો રીપોર્ટ આજરોજ આવતા ચાર નમૂના ફેઇલ થયાનું બહાર આવ્યું છે. જેમાં લુઝ બટરમાં વેજીટેબલ તેલની ઘાલમેલ તેમજ ત્રણ સ્થળેથી લેવામાં આવેલ આઇસ્ક્રીમના સેમ્પલમાં તમામમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતા ઓછું હોવાનું આવ્યું છે. જેના કારણે ઉત્પાદકો અને વિકરેતાઓ વિરુધ એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આજે વધુ 22 ખાણી-પીણી ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી. 19 શંકાસ્પદ ખાદ્ય પદાર્થની સ્થળ ઉપર ચકાસણી કરી 11 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા ધ સેન્ડવીચ અડ્ડા(ફૂડ ટ્રક), વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ, હેમુ ગઢવી હોલ પાસે, ટાગોટ રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બટર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં તીલ ઓઇલની (વેજીટેબલ ઓઇલ) હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. મેનુમાં બટર ઉપયોગ કરી બનાવતી ખાદ્યચીજોમાં હકીકતમાં બટર જેવા દેખાવ ધરાવતા ફેટ સ્પ્રેડ/ માર્ગેરીનનો ઉપયોગ કરતાં હોવાનું જણાયેલ છે. ડીલાઇટ આઇસ્ક્રીમ ગઢીયા એસ્ટેટ, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મહાદેવવાદી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પાન મસાલા ફલેવર્ડ આઇસ્ક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ. પાન એમ્પાયર, શોપ નં.-5, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ કેશર પિસ્તા આઇસ્ક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ., પાન એમ્પાયર, શોપ નં.-5, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડ્સ તથા મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમજ આજરોજ ફૂડ વિભાગની ટીમ તથા વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ફાયર બ્રિગેડવાળો રોડ -રેલનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.
મોટાભાગના ખાદ્યપદાર્થમાં થઇ રહી છે ભેળસેળ
મનપાના ફૂડ વિભાગ દ્વારા રોજેરોજ ચેકિંગ કામગીરી હાથ ધરી અલગ-અલગ ખાદ્યપદાર્થના નમૂનાઓ લઇ લેબમાં મોકલી આપાય છે. જેનો રીપોર્ટ મોટેભાગે નેગટીવ આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં ફૂડ આઇટમો વહેંચતા ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવી અશક્ય છે. પરંતુ જે સેમ્પલ લેવાય છે. તેમાં ભેળસેળ ખુલ્લી જ રહી હોવા છતા સરકાર દ્વારા ભેળસેળીયા તત્ત્વો સામે કડક પગલા લેવાના બદલે મામૂલી દંડ કરી છોડી મૂકવામાં આવે છે. પરિણામે મોટાભાગના ખાદ્યપદાર્થોમાં બેરોકટોક ભેળસેળ થઇ રહી છે.