NSUIના પ્રદેશ મંત્રી અંકિત સોંદરવા સસ્પેન્ડ, યુનિ.નું ગંદુ રાજકારણ નડી ગયું ?
ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા મંત્રી અંકિત સોંદરવાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શન પાછળ પ્રાથમિક તબક્કે ભાજપ સાથે સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સસ્પેન્ડ થયા બાદ અંકિત સોંદરવાએ આકરા પ્રહારો કર્યા છે અને સસ્પેન્ડ કરનારા નેતાઓને ચાપલૂસી કરનારા ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે.
અંકિત સોંદરવાએ જણાવ્યું હતું કે, NSUIના મંત્રી તરીકે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેમને ઘણા મિત્રોના ફોન આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું રાજીનામું આપવાનું કોઈ પ્લાનિંગ ન હતું અને તેમને સસ્પેન્ડ કરવા માટે કોઈ કારણ પણ આપવામાં આવ્યું નથી. તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓ સાથે રહીને NSUIના નેજા હેઠળ તેમની વિદ્યાર્થીલક્ષી કામગીરી ચાલુ જ હતી. તેમને NSUI દ્વારા નહીં, પરંતુ ત્રણ-ચાર લોકો કે જેમને પોતાના કેરિયરની ચિંતા છે તેમના દ્વારા સસ્પેન્ડ કરાવવામાં આવ્યા છે. તેમણે નેતાઓની ચાપલૂસી કરતો એક ફોટો બતાવી કહ્યું કે હું આ નથી અને ત્યારબાદ સિંહનો ફોટો બતાવી કહ્યું કે હું આ છું. તેમણે ઉમેર્યું કે મોટા નેતાઓની ચાપલૂસી કરી અને હોદ્દાઓ પ્રાપ્ત કર્યા છે તે આપને મુબારક.
સોંદરવાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી યુનિવર્સિટીમાં કોઈ પણ કામ યોગ્ય રીતે થતા નથી, રીઝલ્ટ સમયસર જાહેર થતા નથી. પરીક્ષા વિભાગ બ્રેક વિના ખુલ્લો રાખવાનુ કામ સફળતાપૂર્વક કર્યું, યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂૂની બોટલ મળી અને જે પણ ખૂબ જ સંદિગ્ધ હતું. જેને લઇને હું લડત ચલાવી રહ્યો હતો જેથી મને અટકાવવા માટે જે હોદ્દેદારોએ મને સસ્પેન્ડ કરાવ્યો છે તેમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો સાથે સાંઠગાંઠ છે. આ કારણથી જ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અંકિત સોંદરવાને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકોટ શહેર એનએસયુઆઇ મહામંત્રી આકાશ તિવારી, રાજકોટ શહેર ઉપપ્રમુખ વિશાલ રાઠોડ અને નિખિલેશ મકવાણાએ પણ રાજીનામું આપી દીધાની જાહેરાત કરી હતી.