હવે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય લાડાણીનું ઓપરેશન, ગમે ત્યારે રાજીનામું
- પાટીલે રાજુલામાં ગુપ્ત બેઠક યોજી
ગુજરાતમાં લોકસભાની ચુંટણી પહેલા ચાલી રહેલ ઓપરેશન કમલમ અંતર્ગત અત્યાર સુધીમાં અપક્ષ, કોંગ્રેસ અને આપના પાંચ ધારાસભ્યોના રાજીનામા અપાવી ભાજપમાં ભરતી કરાયા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય અરવિંદ લાડાણીનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને માણાવદરમાં ભાજપના જવાહર ચાવડાને હરાવી ચુંટણી જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ગમે ત્યારે કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી કેસરીયા કરે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આજે સવારે રાજુલા ખાતે અંબરીશ ડેરની હાજરીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને અરવિંદ લાડાણી વચ્ચે બેઠક યોજાઇ હતી અને તેમાં પાટીલે ઓપરેશન પાર પાડી લીધાની ચર્ચા છે. હવે લાડાણી ગમે ત્યારે ધડાકો કરે તેવી શકયતા દર્શાવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધીમાં કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલ, વિજાપુરના સી.જે. ચાવડા અને પોરબંદરના અર્જુનભાઇ મોઢવાડીયા ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાઇ ચુકયા છે. હવે લાડાણી રાજીનામુ આપે તો કોંગ્રેસની ચોથી વિકેટ ખડશે અને ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 12 થઇ જશે.