બ્રાન્ડેડ કંપનીના નામે આરોગ્ય સાથે ચેડા!! એમેઝોનમાંથી મંગાવેલી ડો.બર્ગ કંપનીની D-3,K2ની દવાઓમાં વિટામિનને બદલે નીકળ્યું સ્ટાર્ચ
જો તમે પણ એમેઝોનમાંથી વિટામિનની કેપ્સુલ મગાવી ખાતા હોવ તો ચેતી જજો. વિદેશની ડો. બર્ગ કંપનીની વિટામિન D-3 અને K2ની કેપ્સ્યુલના નામે અજાણ્યા શખ્સો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ઓનલાઈન શોપિંગ એપ પર જે કેપ્સુલનો વેચાણ થઇ રહ્યો છે તેમાં વિટામિન નહીં પણ સ્ટાર્ચ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પોલીસે જ કર્યો હતો. પોલીસે જ આ કેપ્સ્યુલનો ઓનલાઈન ઓર્ડર કરી FSLમાં ચકાસણી કરાવી હતી. આ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેપ્સ્યુલમાં વિટામિનને બદલે સ્ટાર્ચની હાજરી જોવા મળી હતી. આ કેસ્પ્યુલ ખાવાથી તમારા આંતરડા ઉપર અને પાચન ક્રિયા ઉપર મોટાપાયે નુકસાન થઈ શકે છે. તેમજ હાડકાં પણ નબળા પડી શકે છે
આ અંગે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના PI એસ.જે. જાડેજાએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન એમેઝોન પર ડો. બર્ગ કંપનીની વિટામિન D-3 અને K2ની કેપ્શ્યુલમાં જાહેરાત તેમજ લેબલ ઉપર દર્શાવવામાં આવેલ કન્ટેન્ટના બદલે અન્ય કોઇ પદાર્થ ભરી ગ્રાહકો પાસેથી પૂરી રકમ મેળવી છેતરપિંડી કરી ગ્રાહકોના સ્વાસ્થને નુકશાન થાય તેવુ કૃત્ય કરવામાં આવી રહ્યું છે.
આથી ખરાઇ કરવા ડો. બર્ગ કંપનીની વિટામિન D-3 અને K2ની એક બોટલમાં 60 કેપ્સ્યુલ તેવી કુલ 2 બોટલ એમેઝોન એપ્લિકેશનના અમારા મોબાઈલ નંબરથી રજિસ્ટર કરેલ એકાઉન્ટમાંથી 11 જૂન, 2024ના ઓર્ડર કર્યો હતો. કેપ્સ્યુલ અમારા સ્કોડમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ નટવરસિંહ છત્રસિંહ ચાવડાના ઘરના સરનામે મળે તે રીતે ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડર કરવામાં આવેલ ડો.બર્ગ કંપનીની વિટામીન D-3 અને K2ની કેપ્સ્યુલની 2 બોટલ નટવરસિંહના ઘરે બે ખાખી કલરના બોક્સમાં સીલ પેક પ્રાપ્ત થઈ હતી.બાદમાં અમે કેપ્સ્યુલ અમદાવાદની FSL ઓફિસ ખાતે તપાસ કરવા મોકલી હતી. જેનો રિપોર્ટ આવતા જાણવા મળ્યું હતું કે, ડો. બર્ગ કંપનીની વિટામીન D-3 અને K2ના લેબલવાળી બંન્ને બોટલોમાં રહેલ કેપ્સ્યુલમાં વિટામીનની હાજરી નથી. તેમજ બંન્ને બોટલોમાં રહેલ કેપ્સ્યુલમાં સ્ટાર્ચની હાજરી છે.
અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઇપીસીની કલમ 406, 420, 120બી, 276 તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66ડી મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.