કુખ્યાત તસ્કર ઝડપાયો, બે વર્ષમાં 10 ચોરી કર્યાની કબૂલાત
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોએ હાહાકાર મચાવ્યો હોય તેમ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે પોલીસે તસ્કરોને ઝડપી લેવા કમરકસી હોય તેમ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. જે અંતર્ગત એલસીબી ઝોન-2નાં સ્ટાફે બાતમીના આધારે શિતલ પાર્ક નજીકથી કુખ્યાત તસ્કરને ઝડપી પાડયો હતો. જેની પુછપરછ કરતાં તેણે છેલ્લા બે વર્ષમાં શહેરમાં 10 સ્થળે ચોરી આચર્યાની કબુલાત આપી હતી. જેમાંથી જલ્યાણ પાર્કમાં થયેલી 3 લાખની ચોરી સહિત 7 ચોરીના ભેદ ઉકેલાયા હતાં. પોલીસે આરોપીની વધુ પુછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં હોય જેથી આવા બનાવો બનતા અટકાવવા માટે અને ચોરીના બનાવોના ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડીશ્નલ પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈની સુચનાથી એલસીબી ઝોન-2નાં પીએસઆઈ આર.એચ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલીક સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલ ગોહેલ, મનીષ સોઢીયા, જેન્તીગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ આઈવે પ્રોજેકટ અને કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી ફુટેજ તપાસવાની કામગીરીમાં હતો. દરમિયાન જામનગર રોડ પર બજરંગવાડીમાં જલ્યાણ પાર્ક શેરી નં.10માં રહેણાંક મકાનમાંથી ગત તા.27-1 થી 4-2 સુધીમાં તસ્કરોએ મકાનના તાળા તોડી રૂા.2.95 લાખની ચોરી કરી ગયા હતાં. જે ચોરી કરનાર આરોપી શિતલ પાર્ક મેઈન રોડ પર હોવાની બાતમી મળતાં પોલીસે તાત્કાલીક દોડી જઈ આરોપી શિવા જેરામભાઈ વાજેલીયા (રહે.ખડધોરાજી નિકાવા ગામ, તા.કાલાવડ)ને ઝડપી લઈ તેની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના, રૂા.30500ની રોકડ, પાર્ટી સ્પીકર, મોબાઈલ, રિક્ષા અને ચોરીમાં ઉપયોગ કરેલ પાના પક્કડ સહિતના સાધનો મળી કુલ રૂા.8,46,400નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ હાથ ધરી હતી. આરોપીએ આપેલી કબુલાત મુજબ તેણે છેલ્લા બે વર્ષમાં જામનગર રોડ પર પરાસર પાર્ક સોસાયટીમાંથી 6 મકાનમાંથી, કૃષ્ણનગર સોસાયટી એક મકાન, જલ્યાણ પાર્કમાંથી 2 મકાનને નિશાન બનાવી કુલ 10 સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેમાંથી 7 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
આરોપીની મોડસ ઓપરેડીંગ જોઈ તો તે અગાઉ રૈયાધાર વિસ્તારમાં રહેતો હોય અને રીક્ષા ચલાવતો હોય જેથી આ વિસ્તારોથી માહિતગાર હતો. હાલમાં આરોપી દિવસ દરમિયાન શહેરમાં રીક્ષા ચલાવી મુસાફરી કરાવવાનો ઢોંગ રચી હાઈ-વે પરના રહેણાંક વિસ્તારોના બંધ મકાનની રેકી કરતો હતો અને રાત્રીના સમયે આ મકાનોના તાળા તોડી ચોરી કરતો હતો. આરોપી હાઈ-વે પર બહારના વિસ્તારોને જ નિશાન બનાવતો હતો. જેથી ભાગવા માટે સરળતા રહે. ઝડપાયેલા આરોપી વિરૂધ્ધ કાલાવડ અને શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ચાર ગુના નોંધાયેલા છે. આરોપીએ વધુ કેટલી ચોરી કરી છે તે અંગે પુછપરછ કરવા આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.