ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં 25 ગણા નામ જાહેર કરવા ગૌણ પસંદગી મંડળને સૂચના
ઉમેદવારોના આંદોલન બાદ વન અને પર્યાવરણ વિભાગ સક્રિય
ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં સીઆરબીટી પદ્ધતિનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જેમાં ઉમેદવારો મેરિટ લિસ્ટમાં ગુણ દર્શાવવાની માગ સાથે છેલ્લા દોઢ દિવસથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગૌણ સેવા પસંદગી મંડળને 25 ગણા ઉમેદવારોના નામ જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આપેલ સૂચનામાં જણાવ્યા મુજબ, જાહેરાત ક્રમાંક-FOREST/2022-23/1 વનરક્ષકની લેખિત પરીક્ષા અંતિત કવોલિફાઇડ થયેલ ઉમેદવારો પૈકી આઠ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ઘ કરવામાં આવી હતી. વિભાગ કક્ષાએથી ભૂતકાળમાં હાથ ઘરવામાં આવેલ ભરતી પ્રસંગોએ થયેલ અનુભવના આધારે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવારો ઉત્તિર્ણ થઇ શક્યા નથી, જેના પરિણામે જગ્યા ખાલી રહેવા પામેલી છે.
આ સંદર્ભમાં વનરક્ષક સંવર્ગનાં ભરતી નિયમોની જોગવાઈ ધ્યાને લઇ માંગણી કરેલ જગ્યાઓ સામે 25 ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને પૂરી પાડવામાં આવે.
જણાવી દઈએ કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા. નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો એસએસસી સીજીએલ, આઇબીપીએસ, આરઆરબી ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરીટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે?
પોતાની માંગણીને લઈને ઉમેદવારો ગઈકાલથી ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યાં હતા. પોલીસ દ્વારા રાજ્યના અલગ-અલગ સ્થળો પરથી 300 જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે.