જંગલેશ્ર્વર અને નદી કાંઠાના 904 ગેરકાયદેસર બાંધકામોને નોટિસ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રોડ રસ્તા પર થયેલા દબાણો એન નદીના પટમાં થઈ ગયેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ થશે મેગા ડિમોલિશન
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે. જેના લીધે રોડ રસ્તાઓ સાંકડા બની જતાં ટ્રાફિક સમસ્યાએ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાનો આદેશ કર્યો છે. જે અનુ સંધાને કલેક્ટર વિભાગ દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે અને આ મોકાનો લાભ લેવા માટે મહાનગર પાલિકાએ પણ નદી કાંઠાના વિસ્તારો તેમજ જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં થયેલા ધાર્મિક તેમજ અન્ય ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 904 દબાણ કરતાઓને નોટીસ આપતા ખળભળાટ મચી ગયેલ છે.
શહેરમાં આજીનદી કાંઠે વર્ષોથી દબાણો થઈ ગયા છે. જેના લીધે આજીનદીનો પટ્ટ સાંકડો થઈ જવાથી આજીડેમ ઓવરફ્લો થાય ત્યારે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણી દબાણગ્રસ્ત વિસ્તારોમાં ઘુસી જવાની ઘટના દર ચોમાસે ઉભી થઈ રહી છે. જેના લીધે રેસ્ક્યુ સહિતની કામગીરીમાં સમય અને નાણાનો વેડફાટ થઈ રહ્યો છે. જેની સામે આજીનદીમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ટુંક સમયમાં શરૂ થવાનો છે. અને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સુચના અપાઈ છે. આથી આ તમામપરિબળોમાં દબાણ જ મુખ્ય હોવાથી થોડાક સમય પહેલા આજી નદી કાંઠે અમુક ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવ્યુંહ તું. પરંતુ આ સ્થળે ફરી દબાણો થઈ ગયાનું જાણવા મળેલ છે. આથી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા સૌથી વધુ જંગલેશ્ર્વર વિસ્તારમાં અને આજી રિવરફ્રન્ટમાં નડતરરૂપ થઈ ગયેલા 904 ગેરકાયદેસર દબાણોને નોટીસ આપવામાં આવી છે.
ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે અગાઉ પણ અનેક વખતનોટીસો અપાઈ ગઈ છે. પરંતુ આજ સુધી કોઈ જાતની શખ્ત કાર્યવાહી થયેલ નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી જમીન ઉપરના દબાણો તેમજ મુખ્ય માર્ગો ઉપર આવતા ધાર્મિક સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ટુંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ જંગલેશ્ર્વર વિસ્તારના રોડ રસ્તા ઉપર આવતા વર્ષો જૂના દબાણો તેમજ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે પ્રથમ 904 નોટીસ આપવામાં આવી છે. જે અંતર્ગત દબાણ કરતાઓએ જાતે દબાણો દૂર કરવાનો સમય અપાયો છે. છતાં દબાણો દૂર નહીં થાય તો દિવાળી બાદ ગમે ત્યારે તમામ ગેરકાયદેસર દબાણોનું ડિમોલેશન કરવામાં આવશ.ે અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ ખાતે મહા ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને હવે ટુંક સમયમાં રાજકોટમાં પણ એક સાથે 900થી વધુ દબાણોનું મહા ડિમોલીશન હાથ ધરાશે.
અન્ય વિસ્તારોના દબાણો પણ હટાવાશે : તંત્ર
મહાનગરપાલિકાએ જંગલેશ્ર્વર અને આજી નદી કાંઠા પર થયેલા ગેરકાયદેસર 904 બાંધકામોને દૂર કરવાની નોટીસ આપવામાં આવી છે. અને સાથો સાથ રાજકોટના અન્ય વિસ્તારોમાં થઈ ગયેલા સુચિતના તેમજ માર્જિન અને પાર્કિંગના દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે છેલ્લા એક વર્ષ દરમિયાન 260/2ની નોટીસ આપવામાં આવી હોય અને આજ સુધી આ દબાણો દૂર ન થયા હોય તેની વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે મહાનગરપલિકાના પ્લોટ ઉપર તેમજ રોડ-રસ્તા ઉપર થયેલા દબાણોનો સર્વે કરવામાં આવ્યો છે. અને આ તમામ દબાણ કરતાઓને ટુંક સમયમાં નોટીસ આપી સમય મર્યાદામાં દબાણો દૂર નહીં થાય તો ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે. તેમ ટાઉન પ્લાનીંગ વિભાગના સુત્રોઅ જણાવ્યું હતું.