ફટાકડાના કાયમી લાઇસન્સ રદ કરવા 35 વેપારીને નોટિસ
અમુક મંજૂરીઓની અટપટી પ્રક્રિયાના કારણે કોકડું ગુંચવાયું, સોમવાર સુધીની વેપારીઓને મહેતલ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એ સમયે જ પોલીસ વિભાગ દ્વારા સદર બજારમાં ફટાકડાના 35 લાયસન્સ રદ કરવા 35 વેપારીઓને નોટીસ પાઠવતા ખળભળાટ મચી ગયો છે. વેપારીઓ દ્વારા ફટાકડા લાયસન્સ રિન્યુ કરવા અરજી કરતા અધુરા કાગળોના કારણે પોલીસ સ્ટેશન દ્વારા લાયસન્સ રિન્યુ નહીં કરવા અભિપ્રયા આપ્યો હતો. અમુક મંજુરીઓની અટપટી પ્રક્રિયાના કારણે કોકડું ગુંચવાતા વેપારીઓમાં કચવાટ છે. પોલીસ દ્વારા સોમવાર સુધીની વેપારીઓને જરૂરી ડોકયુમેન્ટ પુરા પાડવા મહેતલ આપી છે.
સદર બજારમાં ફટાકડાના હોલસેલ વેપારીઓ ધંધો કરે છે. જેઓ બારેમાસ ફટાકડા વેચતા હોવાથી તેઓને કાયમી ફટાકડા લાયસન્સ લેવાનું હોય છે. જેને દર વર્ષે રિન્યુ કરાવવામાં આવે છે. ફટાકડાના વેપારીઓ દર વર્ષે લાયસન્સ ન્યિુ કરાવતા હતા. જો કે ચાલુ વર્ષે બનેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. પોલીસ, કોર્પોરેશન અને પીજીવીસીએલ નિયમોમાં કોઇ બાંધછોડ કરવા માંગતા ન હોવાથી વેપારીઓને લાયસન્સ રિન્યુ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
સદર બજારના વેપારીઓ દ્વારા તેમના કાયમી લાયસન્સ એક વર્ષ માટે રિન્યુ કરવા પોલીસમાં અરજી કરી હતી. જે અરજીઓમાં પ્ર.નગર પોલીસ દ્વારા ફાયર એનઓસી, ઇલેકટ્રીક યોગ્યતા અંગેનું વાયરમેનનું પ્રમાણપત્ર અને ગુમાસ્તાધારા હેઠળનું પ્રમાણપત્ર અને એકસપ્લોઝીવનું સોગંદનામું ન હોવાથી લાયસન્સ રિન્યુ ન કરવા ડીસીપી ઝોન-2ને અભિપ્રાય મોકલ્યો હતો. આ ઉપરાંત એસીપી પશ્ચિમ દ્વારા પણ લાયસન્સ રીન્યુ કરવા અભિપ્રયા ન આપતા ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ સદર બજારના 35 વેપારીઓને કારણ દર્શક નોટીસ પાઠવી સોમવાર સુધીની મહેતલ આપવામાં આવી છે. જેના પગલે વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે. જો કે આ અંગે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા સાથે વાત કરતા તેમણે જણાવેલુ કે અમુક પુરાવા અંગે બાંધછોડ કરી શકાશે. જો કે ફાયર એનઓસી સહીતના જરૂરી દસ્તાવેજો રજુ કરાશે તો વેપારીઓને કાયમી લાયસન્સ રિન્યુ કરી આપવામાં આવશે.
પોલીસ માંગે છે તે પ્રમાણપત્રો અન્ય કચેરીઓ આપતી નથી: વેપારીઓ
ફટાકડાના કાયમી લાયસન્સ રદ કરવા બાબતે પોલીસ દ્વારા વેપારીઓને નોટીસ પાઠવતા વેપારીઓએ કચવાટ સાથે જણાવેલું કે પોલીસ ફાયર વિભાગની એનઓસી માગે છે. પરંતુ ફાયર વિભાગ માત્ર હંગામી એનઓસી આપે છે. કાયમી આપવાની ના પાડે છે. તેવી જ રીતે પીજીવીસીએલ દ્વારા પણ ઇલેકટ્રીક અંગે કોન્ટ્રાકટર પાસેથી પ્રમાણપત્ર લઇ લેવાનું જણાવે છે. જે પોલીસ માન્ય ગણતી નથી. જયારે ગુમાસ્તાધારાનો કાયદો રદ થઇ ગયો હોવા છતાં પોલીસ દ્વારા ગુમાસ્તાધારાનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. જેથી પોલીસ દ્વારા માંગવામાં આવેલા પ્રમાણપત્રો અન્ય કચેરીઓ આપતી ન હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.