1000થી વધુ લોકો ભેગા થતા હોય તેવા સ્થળે CCTV નહીં લગાડનાર 14 આસામીને નોટિસ
- 7 દિવસમાં CCTV નહીં લગાવે તો 10 હજારનો દંડ, બીજી નોટિસમાં 25 હજારનો દંડ અને ફોજદારી થશે
રાજકોટ શહેરના વિકાસ દિવસને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકોની સુખાકારી અને સલામતી માટે પબ્લીક સેફટી કમીટીની રચના કરવામાં આવી છે. રાજકોટનાં એડીશ્નલ કલેકટર ચેતન ગાંધી અને ક્રાઈમ બ્રાંચના ડીસીપીના અધ્યક્ષ સ્થાને બનેલી આ કમીટી દ્વારા રાજકોટ શહેરમાં જે સ્થળે 1000થી વધુ લોકો ભેગા થતાં હોય તેવા સ્થળે સીસીટીવીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 14 સ્થળે સીસીટીવી કેમેરા નહીં હોવાનું બહાર આવતાં આ તમામ આસામીઓને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ગુનાખોરીને કાબુમાં લેવા અને લોકોની સુખાકારી અને સલામતી માટે શહેરના રાજમાર્ગો પર સીસીટીવી કેેમેરા લગાવવામાં આવ્યા છે. બીજી બાજુ એડીશનલ કલેકટર ચેતન ગાંધીના અધ્યક્ષ સ્થાને પબ્લીક સેફટી કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, તમામ પોલીસ ઈન્સ્પેકટર તેમજ તમામ મામલતદારોને સભ્ય બનાવવામાં આવ્યા છે.
પબ્લીક સેફટી કમીટીની બેઠકમાં જે સ્થળે 1000થી વધુ લોકો ભેગા થતાં હોય તેવા સ્થળે ફરજિયાત સીસીટીવી છે કે નહીં તે અંગેની તપાસ શરૂ કરાવી હતી. જેમાં રાજકોટ શહેરમાં 141 સ્થળોએ દરરોજ 1000થી વધુ લોકોની અવરજવર રહેતી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 127 સ્થળે સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જ્યારે 14 સ્થળે સીસીટીવી કેમેરા નહીં હોવાનું કમીટીના ધ્યાન પર આવતાં આ 14 આસામીઓને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. સાત દિવસમાં આ 14 આસામીઓ સીસીટીવી કેમેરા નહીં લગાવે તો તેઓને 10 હજારનો દંડ ફટકારવામાં આવશે. પ્રથમ નોટિસ મળ્યા બાદ પણ જો કોઈપણ આસામી સીસીટીવી કેમેરા નહીં લગાવે તો બીજી નોટિસ ફટકારવામાં આવશે જેમાં 25 હજારનો દંડ અને આસામી સામે જાહેરનામાનો ભંગ દાખલ કરવામાં આવશે તેમ એડીશ્નલ કલેકટર ચેતન ગાંધીએ માહિતી આપતાં જણાવ્યું હતું.