રાજકોટીયન્સને કાંઈ ન ઘટે: દિવસે પતંગબાજી... રાત્રે આતશબાજી
રાજકોટમાં ગઈકાલે આખો દિવસ પવનદેવે કૃપા રાખતા પતંગબાજોને જલસો પડી ગયો હતો અને આબાલવૃદ્ધોથી માંડી રાજકીય નેતાઓએ પણ પતંગ ચગાવવાની મોજ માણી હતી. પતંગ રસિયાઓએ આખો દિવસ પતંગબાજી સાથે ચીકી-ઝીંઝરા, શેરડી સાથે ઊંધિયાની મોજ માણી હતી અને રાત્રે અંધારૂ થતાં જ ધૂમધડાકાભેર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.
રાજકોટમાં આ વખતે પ્રથમ વખત ધાબાઓ ઉપર ઘોંઘાટિયા સંગીતનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું વારંવાર વીજપુરવઠો બંધ કરાતો હોવાથી જે લોકોએ મોટા સ્પીકર ધાબા ઉપર ચડાવ્યા હતા તે શોભાના ગાંઠિયા જેવા બની રહ્યા હતાં. સંગીતની જગ્યાએ લોકોએ પીપૂડા વગાડવાનો આનંદ લૂંટ્યો હતો. અને રાત ઢળતા જ રેસ્ટોરન્ટો તથા ખાણી-પીણીના ઢાબાઓ તરફ દોટ મૂકી હતી.
અદકેરા મકરસંક્રાંતિ પર્વની શહેરમાં અપાર ઉત્સાહ અને અનેરા ઉમંગ સાથે ઉજવણી થઈ હતી. વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા. સવારથી સુસવાટા મારતા ઠંડા પવનનો સાથ રહેતા પતંગબાજોએ પેચ કાપી ઉત્તરાયણ પર્વની ઉજવણી શરૂૂ કરી હતી. આકાશમાં રંગબે રંગી પતંગોનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. ધાબાઓ કાપ્યો છે... લપેટની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યા હતા. મકર સંક્રાંતિ દાન-પૂણ્યનો પણ પર્વ હોવાથી લોકોએ ગૌ માતાને ઘુઘરી, ઘાસ, તલ સાંકળી, ચિક્કી, શેરડી, બોર વિગેરેનું દાન કર્યું હતું. રસીયો રૂૂપાળો રંગ રેલીયોનું રિમિક્સ ગીતના તાલે પતંગ રસિયાઓએ અવકાશી યુદ્ધ ખેલતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત નવા ગીતોના તાલે પણ પતંગ રસિયાઓ મન મૂકીને ઉત્તરાયણ મનાવતા જોવા મળ્યા હતા. સવારથી જ અભૂપૂર્વ માહોલ જામ્યો હતો. યુવાનો અને યુવતીઓ દ્વારા સાથે મળીને પર્વની ઉજવણી કરી હતી. તે સાથે રાજકીય અગ્રણીઓ દ્વારા પણ ટેરેસ ઉપર ચડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.