પોલીસ પેટ્રોલિંગનાં ધજાગરા ઉડાવતી નિશાચર ગેંગ : ચાર સ્થળેથી 8 લાખની ચોરી
રાજકોટ શહેરમાં તસ્કરો બેફામ બન્યા : મકાન, કારખાનામાં ત્રાટકી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર : રેફયુજી કોલોનીના કારખાનાની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી આબરૂ બચાવી
રાજકોટ શહેર પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવતી તસ્કર ગેંગ ફરી સક્રિય બની છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ચાર સ્થળે ત્રાટકી 8 લાખથી વધુની માલમત્તાનો હાથફેરો કરી પોલીસ તંત્રની રહીસહી આબરૂ પર પણ પાણી ફેરવી દીધું છે ત્યારે પોલીસે બેફામ બનેલી તસ્કર ગેંગને અકુંશમાં લેવા માટે સીસીટીવી ફુટેજના આધારે તપાસના ચક્રોગતિમાન કરી કારખાનાની ચોરીનો ભેદ ઉકેલી નાખી આબરૂ બચાવી લીધી હતી.
રાજકોટ શહેરમાં મિલકત વિરોધી ગુનાઓના પ્રમાણ દિવસને દિવસે વધતું જાય છે. મોટાભાગની ઘરફોડ ચોરીઓની પોલીસ ફરિયાદ લેતી જ નથી જ્યારે અમુક ફરિયાદ લે છે ત્યારે પોલીસ તેમાં રકમ ઘટાડીને ગુનો દાખલ કરેલ છે. છેલ્લા થોડા સમયથી પોલીસ પેટ્રોલીંગના ધજાગરા ઉડાવતી તસ્કર ગેંગ સક્રિય બની છે અને છેલ્લા 24 કલાકમાં ચાર સ્થળે ત્રાટકી આઠ લાખની માલમત્તાનો હાથફેરો કરી ગયા છે.
રાજકોટનાં રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં આવેલ જય મુરલીધર ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.3.58 લાખની કિંમતના 16 મોબાઈલ ડીવાઈઝ ચોરી કરી ગયાની વાંકાનેર સોસાયટીમાં રહેતા ગોડાઉનના માલીક જનકભાઈ દેવરાજભાઈ ડાંગર (ઉ.34)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજી ઘટનામાં કુબલીયા પરામાં રહેતા અને પેટ્રોલ પંપમાં ફીલરમેન તરીકે નોકરી કરતી મહિલા સોનલબેન ચનાભાઈ મકવાણા (ઉ.35)ના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી 1.65 લાખની માલમત્તા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બીજા એક બનાવમાં વામ્બે આવાસ યોજનામાં રહેતા કવિતાબેન ડાયાભાઈ (ઉ.60)ના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 1.77 લાખની માલમત્તાની ચોરી કરી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે. જ્યારે પરસાણાનગરમાં રહેતા અને રેફયુજી કોલોનીમાં સુખધામ ઈન્ડસ્ટ્રીઝ નામનું વાસણ સાફ કરવાનું કારખાનું ધરાવતાં કમલભાઈ દિલીપભાઈ પારવાણીના કારખાનાને તસ્કરોઅ નિશાન બનાવી 1.3 લાખની રોકડ રકમ ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં જ ચાર સ્થળેથી 8 લાખની માલમત્તા ચોરી કરી તસ્કરોએ પોલીસ તંત્રને લપડાક ઝીંકી છે ત્યારે તસ્કર ગેંગને નાથવા માટે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી રેફયુજી કોલોની ચોરીનો ભેદ ઉકેલી નાખી અજીમ ઉર્ફે અજીમભા દિલાવરભાઈ ફુલાણી અને મહમદ આસીફ ઉર્ફે બાપુ, મહમદ હનીફ કાદરી (ઉ.19)ની ધરપકડ કરી 84,500ની રોકડ અને મોબાઈલ મળી 1,09,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તીસરી આંખ હોવા છતાં તસ્કરો માટે રેઢું પડ
રાજકોટ શહેરમાં મિલકત વિરોધી ગુના અટકાવવા માટે કરોડોના ખર્ચે શહેરના રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના કારણે મિલકત વિરોધી ગુનાઓ પર અંકુશ આવ્યા બાદ બેફીકર બનેલી પોલીસ ઉઘરાણામાં વ્યસ્ત થઈ જતાં તસ્કરો ફરી બેફામ બન્યા છે અને સીસીટીવી કેમેરાની પરવા કર્યા વગર મિલકત વિરોધી ગુનાઓ પર કસબ અજમાવવા લાગ્યા છે.