બે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશ
ડીઆઇ લાઇન, ભૂગર્ભ ગટર તથા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થતાં ખોદકામ ઉપર 31 ડિસેમ્બર સુધી બ્રેક, ખોદકામની મંજૂરી કોર્પોરેશન નહીં આપે
રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રોડ રસ્તાઓ તૂટી જતા નાગરિકોમાં દેકારો બોલી ગયો ખાડા મુદ્દે વિપક્ષોએ પણ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના લીધે સરકારે સમય પહેલા એકશનપ્લાનની ગ્રાન્ટ જાહેર કરી તૂટેલા રોડ રસ્તા અને ખાડાઓનુ પેચવર્ક કામ અને મેટલીંગ તથા પેવર રોડ સહિતના કામો ઝડપી શરૂ કરી વહેલા સર પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા. જેના પગલે 1લી ઓકટોબરથી રાજકોટ મહાનગરપાલિકાએ પેચવર્ક અને ડામર કામ શરૂ કર્યુ છે. ત્યારે ફરી વખત વરસાદી વિધ્ન આવતા હાલ કામ બંધ હોવાથી પ્રજાનો રોષ ખાળવા માટે હવે પછી કોઇ પણ પ્રકારનું ખોદકામ ન થઇ જોઇએ તેવા ઉપરથી આદેશ થયાનુ જાણવા મળેલ છે અને સૂચના અન્વયે મનપા હવે પ્રાઇવેટ કંપનીઓ તેમજ ભૂગર્ભ અને પાણીની લાઇન સહિતના કામોને મંજૂરી નહીં આપે.
ચોમાસા દરમિયાન શહેરમાં ખાડાઓના સામ્રાજએ કાગારોડ મચાવી હતી. જેના લીધે સરકાર એકશનપ્લાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવી ત્રણેય ઝોનમાં રોડ રસ્તાના કામો શરૂ કરાવ્યા છે. 1લી ઓકટોબરથી ત્રણેય ઝોનમાં પેચવર્ક કામ અને નવા પેવર કામ શરૂ થયા છે. ત્યારે જ તહેવારો આવ્યા અને વરસાદ ફરી શરૂ થતા હાલ પાંચ દિવસથી પેચવર્કની કામગીરી બંધ કરવામાં આવી છે અને વરાપની રાહ જોવાઇ રહી છે. ત્યારે જ ફરી વખત લોકરોષ ફાટી ન નીકળે તે માટે ભૂગર્ભ ગટર તથા પીવાના પાણીની લાઇન તથા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખોદકામ કરી નાખ્વામાં આવતા કેબલ વર્ક તેમજ અન્ય કામો માટે હવે ખોદકામ કરવામાં ન આવે તેવા આદેશ ઉપરથી કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે. છેલ્લા બે વર્ષથી શહેરમાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી દરમિયાન આખુ રાજકોટ ખોદી નખાતા અને ઉપરથી વરસાદ આવતા શહેરીજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જે હવે માડમાડ શાંત થયો છે.
ત્યા જ પેચવર્ક કામ ટાણે વરસાદ શરૂ થતા એની એજ પરીસ્થિતિનું નિમાર્ણ થતા અને હવે કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા લોકોને શાંત કરવા માટે 31 ડિસેમ્બર સુધી કોઇ પણ પ્રકારની કામ માટે ખોલકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેવી જ રીતે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ગેસની લાઇન તેમજ કેબલનું ભૂગર્ભ કામ કરવા માટે પણ કોર્પોરેશન 31 ડિસેમ્બર સુધી મંજૂરી નહીં આપે તેમ જાણવા મળેલ છે.
31 ડિસે. પહેલાં વર્ક ઓર્ડર આપી દેવાશે
મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા મતદારોને રીઝવવા માટેના પ્રયાસો અત્યારથી શરૂ કરી દીધા છે. રોડ રસ્તાઓ ખરાબ ન થાય અને નવા રોડ રસ્તાઓ સમયસર બની શકે તે માટે ખોદકામ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સાથોસાથ તમામ કોર્પોરેટરોને સૂચના આપી તેમના વિસ્તારોના લોકો ઉપયોગી કામોની દરખાસ્ત તૈયાર કરી કોર્પોરેશનને આપવા તેમજ 31 ડિસેમ્બર પહેલા આવેલ તમામ નાના મોટા પ્રોજેટકની દરખાસ્તોને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરાવી દેવાની પણ સૂચના આપવામાં આવી છે. તેવી જ રીતે આચારસંહિતા લાગુ થાય તે પહેલાના જનરલ બોર્ડમાં આવેલ દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.
