For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલના ઈમર્જન્સીમાં 108 એમ્બ્યુ.ને પણ નો એન્ટ્રી

03:52 PM Aug 12, 2024 IST | admin
સિવિલના ઈમર્જન્સીમાં 108 એમ્બ્યુ ને પણ નો એન્ટ્રી

રાત્રે સિકયુરિટીએ દરવાજા બંધ કરી દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સોને પણ પ્રવેશ નહીં આપતા બબાલ, બે કલાક મામલો થાળે પડયો

Advertisement

સિવિલ હોસ્પિટલમાં સિકયોરિટી સ્ટાફની દાદાગીરીના બનાવો અવારનવાર સામે આવતાં રહે છે ત્યારે ગત રાત્રે સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સને પણ નો એન્ટ્રી કરી હોય તેમ સિકયોરિટીના સ્ટાફે એમ્બ્યુલન્સમાં આવતાં દર્દીઓને પણ ઈમરજન્સી વિભાગમાં પ્રવેશવા ન દેતાં અને દરવાજા બંધ કરી દેતાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો. આખરે બે કલાક સુધી દરવાજો બંધ રહ્યાં બાદ મામલો થાળે પડયો હતો.

જાણવા મળતી વિગત મુજબ, ગતરાત્રે શહેરના ઢેબર રોડ પર અટીકા ફાટક પાસે જુથ અથડામણનો બનાવ બનતા 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલા ઈજાગ્રસ્તોને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જો કે જુથ અથડામણના બનાવને પગલે સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડતાં સિકયોરિટી સ્ટાફ દ્વારા ઈમરજન્સી વિભાગનાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતાં. 4 થી 5 જેટલી 108માં દર્દીઓ હોવા છતાં સિકયોરિટી સ્ટાફ દ્વારા દરવાજા ખોલવામાં ન આવતાં અને દર્દીઓને અંદર જવા દેવાતા ન હોવાથી હોબાળો મચી જવા પામ્યો છે. 108નાં પાયલોટ અને ઈએમટી દ્વારા સિકયોરિટીના સ્ટાફને દર્દીઓને અંદર જવા દેવા માટે જણાવ્યું હતું. આમ છતાં તેઓએ દરવાજા ન ખોલતાં ઈજાગ્રસ્ત દર્દીઓને 108માં જ રહેવું પડયું હતું અને સારવાર મળી ન હતી. જો કે આ અંગે 108ના સ્ટાફ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવતાં તેઓ તાત્કાલીક હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

Advertisement

108ના અધિકારી દ્વારા સિકયોરિટી સ્ટાફને દરવાજા કેમ બંધ કર્યા ? તે અંગે પુછવામાં આવતાં સિકયોરિટી સ્ટાફ દ્વારા દરવાજા ખુલ્લા જ છે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. જો કે ઈમરજન્સી વિભાગનાં દરવાજા બંધ હોય જે અંગે ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી દરવાજા બંધ છે અને કોઈને અંદર જવા દેવામાં આવતાં નથી. જેથી આ અંગે 108ના અધિકારી અને સિકયોરિટી વચ્ચે બબાલ થઈ હતી. આખરે દોઢેક કલાકની માથાકુટ બાદ સિકયોરિટી એ તેના ઈન્ચાર્જને જાણ કર્યા બાદ આખરે દરવાજા ખોલવામાં આવતાં મામલો થાળે પડયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement