ખાંભા ગીરમાં સિંહ બાળના ભેદી મોતમાં સંક્રમણની કોઇ બાબત સામે આવી નથી
તાજેતરમાં જાફરાબાદ રેન્જમાં બે સિંહબાળના મોત થયા હતા. જેના પગલે વિવિધ અહેવાલોમાં ભેદી રોગ કે સંક્રમણના કારણે સિંહબાળના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. શેત્રુંજી વાઇલ્ડ લાઈફ ડિવિઝનના ડીસીએફ ધનંજય સાધુએ ગીર ખાંભા વિસ્તારમાં સિંહબાળના મોત અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે બે સિંહબાળના મોત એનિમિયા અથવા ન્યુમોનિયાના કારણે થયા હતા અને આ એક કુદરતી ઘટના છે. રિપોર્ટ્સમાં કોઇ સંક્રમણ હોવાની બાબત સામે આવી નથી.
શેત્રુંજી વન વિભાગના જાફરાબાદ રેન્જમાં બે બાળ સિંહના થયેલા મોતને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે, વિભાગના ડીસીએફ ધનંજય સાધુએ સ્પષ્ટતા કરી છે કે આ મોત એનીમિયા અને ન્યુમોનિયાના કારણે થયા છે, કોઈ રોગચાળાના કારણે નહીં. તેમણે જણાવ્યું હતું કે જંગલ પ્રોટેક્શન ફેરા દરમિયાન નબળા જણાતા બે બાળ સિંહને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સાધુએ વધુમાં જણાવ્યું હતું કે માદા સિંહણ જ્યારે બચ્ચાને જન્મ આપે છે, ત્યારે એકાદ બચ્ચું નબળું હોવાની ઘટના સામાન્ય છે. આથી, ફિલ્ડ ફેરા દરમિયાન ધ્યાને આવતા જ આ બન્ને બચ્ચાઓને રેસ્ક્યુ કરીને જાફરાબાદ રેસ્ક્યુ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી. જોકે, ત્રણથી ચાર માસની ઉંમર હોવાના કારણે તેઓ સંવેદનશીલ હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સાવચેતીના ભાગરૂૂપે, સમગ્ર ડિવિઝનમાં ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અને અન્ય બે માદા તથા છ સિંહબાળને રેસ્ક્યુ કરીને રૂૂટીન ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. તેમના બેઝિક બ્લડ પ્રોફાઈલિંગ અને ટેમ્પરેચર ચેક કર્યા બાદ તેમને તેમના મૂળ નિવાસસ્થાનમાં પરત મોકલવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ રિપોર્ટ્સમાં એવું કોઈ સંક્રમણ હોવાની બાબત સામે આવી નથી. આ એક નિયમિત પ્રક્રિયાના ભાગરૂૂપે જ સિંહબાળને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તેમના સ્વાસ્થ્યની ચકાસણી કર્યા બાદ તેમને પુન: તેમના નિવાસસ્થાનમાં છોડી દેવામાં આવશે.